લાલપુરના વીજ કર્મચારીની હત્યામાં ઘરઘાટી સગીરા સહિત બે ઝડપાયા

જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉંમર 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નિવૃત્ત…

જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉંમર 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નિવૃત્ત કર્મચારીના ઘરમાં કામકાજ માટે આવતી સગીરા અને અક્ષય મહીડા નામના યુવાનની સંડોવણી તપાસમાં સામે આવતાં પોલીસે ફરાર આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી લૂંટમાં લઈ જવાયેલી રોકડ રકમ અને ચાંદીના બિસ્કિટ સહિત કુલ રૂૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

લાલપુરમાં રહેતા પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ વાછાણીની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસ દરમિયાન મૃતકના ઘરમાં કામકાજ માટે આવતી એક સગીરા અંગે પોલીસને માહિતી મળી હતી. ત્યારબાદ સગીરાની પૂછપરછના આધારે અક્ષય મહીડાની સંડોવણી અંગેની કડી મળી હતી.હત્યા અને લૂંટના બનાવ બાદ અક્ષય મહીડા ફરાર થઈ ગયો હતો. તેને ઝડપી લેવા માટે લાલપુર પોલીસ દ્વારા તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો હતો. આરોપી ટ્રેન મારફતે અન્ય સ્થળે પહોંચ્યો હોવાની માહિતીના આધારે રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળની મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ તેને લાલપુર લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી આશરે રૂૂ. 98 હજારથી વધુની રોકડ રકમ તથા ચાંદીના બિસ્કિટના સ્વરૂૂપમાં રહેલો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીના બિસ્કિટની કિંમત રૂૂ. 10,44,120 હોવાનું જણાવાયું છે. આમ, રોકડ અને ચાંદી સહિત રૂૂ. 11 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે.ઘરમાંથી લૂંટવામાં આવેલી મિલકતનો મોટો હિસ્સો કબજે કરવામાં આવ્યો હોવાની વિગતો વચ્ચે પોલીસે હવે આ મુદ્દામાલ ખરેખર કેટલો લૂંટાયેલો હતો અને બનાવમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પ્રકરણમાં સગીરાની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. તેની ઉંમર અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સગીરાને લગતી કાર્યવાહી કાયદા મુજબ હાથ ધરવામાં આવશે.