રાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયા

અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી…

અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી હતી. આ મહાઠગ ગઠિયાઓ જુદી-જુદી વસ્તુઓના વેપારી બનીને આંગડિયા પેઢીના નામે છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ મામલે કચ્છના ભુજથી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુંબઈમાં કરેલા 1 કરોડથી વધુના ફ્રોડ સહિત અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ તપાસમાં આ ઠગબાજોની એક નવી જ અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સૌથી પહેલા તેઓ ગૂગલ કે યુટ્યુબ પરથી જથ્થાબંધ માલ વેચતા વેપારીઓના મોબાઈલ નંબર શોધી કાઢતા હતા. પછી પોતે પણ મોટા વેપારી છે તેવો ડોળ કરીને ફોન કરતા અને માલના ફોટા મંગાવતા. ફોટા જોઈને મોટો ઓર્ડર આપી બિલ બનાવડાવતા. બિલ બની ગયા પછી કહેતા કે, “મારી પાસે હાલ ઓનલાઇન પેમેન્ટની સુવિધા નથી, એટલે હું આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલી રહ્યો છું.” વેપારીને વિશ્વાસમાં લેવા તેઓ એવું પણ કહેતા કે મેં બિલ કરતાં 10 થી 15 હજાર રૂૂપિયા વધારે જમા કરાવ્યા છે.

બરાબર આ જ સમયે ગેંગનો બીજો માણસ પોતાનો અવાજ બદલીને ’આંગડિયા પેઢી’નો કર્મચારી બનીને વેપારીને ફોન કરતો. તે ફોન પર ખોટો ટોકન નંબર આપીને કહેતો કે તમારા પૈસા જમા થઈ ગયા છે. છેલ્લે આરોપી ફરીથી વેપારીને ફોન કરીને કહેતો કે, “મેં જે 10-15 હજાર રૂૂપિયા વધારાના મોકલ્યા છે, તે મારે બીજા એક વેપારીને આપવાના છે, તો હું જે સ્કેનર મોકલું તેના પર તમે એ રકમ ટ્રાન્સફર કરી દો.” બસ, આ રીતે વેપારીને ભરોસામાં લઈને તેઓ રોકડા રૂૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા.

આ ગેંગે મોબાઈલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડિયાળ, કપડાં, પાકીટ, નટ-બોલ્ટ અને મરચાં જેવી અનેક વસ્તુઓમાં વેપારીઓને ચૂનો ચોપડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરત, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ, વાપી, મહેસાણા, પાલનપુર, ડીસા, ભાવનગર, આણંદ, ભરૂૂચ અને ભુજ જેવા શહેરોમાં તેમણે ઠગાઈ કરી છે. ખાસ વાત એ છે કે, 8 વર્ષ પહેલાં આ જ ગેંગે મુંબઈમાં પણ અંદાજે 1 કરોડ રૂૂપિયાના સામાનનો મોટો ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનરની સૂચનાથી કાગડાપીઠ પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે આ સઘન ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલની એસેસરીઝ અને રોકડા રૂૂપિયા મળીને કુલ 27,250 રૂૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અત્યાર સુધીમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2 અને કાલુપુર પોલીસ સ્ટેશનનો 1 ગુનો ઉકેલાઈ ગયો છે.