અઢી વર્ષની બાળકીની છઠ્ઠા માળેથી ફેંકી હત્યા, ઘરના જ ઘાતકી?

શહેરમાં કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં માવતરે રીસામણે બેઠેલી માતા સાથે રહેતી અઢી વર્ષની બાળકીને છઠ્ઠા માળેથી ફેંકી દઇ હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં…

શહેરમાં કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં માવતરે રીસામણે બેઠેલી માતા સાથે રહેતી અઢી વર્ષની બાળકીને છઠ્ઠા માળેથી ફેંકી દઇ હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી સી વિંગમાં રંઝાડ કરતા અજાણયા શખ્સે બાળકીને ફેંકી દઇ હત્યા કર્યાની નાના નાનીના પરિવાર દ્વારા શંકાવ્યકત કરવામાં આવી છે. જ્યારે મૃતક બાળકીના પિતા સહિતના પરિવાર દ્વારા સાસરીયા વિરૂધ્ધ સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા છે. બાળકીના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે. ચાર ફૂટની પારાપેટ ઉપર અઢી વર્ષની બાળકી ચડી શકે નહીં કોઇએ ઉપાડીને ઘા કર્યાની શંકાએ પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. પરંતુ સીસીટીવી ન હોવાના કારણે પોલીસે હત્યારાને ગોતવા મુંજવણમાં મુકાઇ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટી પાસે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતી અને હાલ કુવાડવા રોડ પર આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રીસામણે બેઠેલી માતા સાથે નાના નાનીના ઘરે રહેતી સ્નેહલબેન સંજયભાઇ સાકરીયા નામની અઢી વર્ષની બાળકી ગઇકાલે સાંજના સાડા છએક વાગ્યાના અરસામા પાંચમાં માળેથી નીચે પટકાતા મોત નીપજ્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવતા બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. માસુમ બાળકીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. માસુમ બાળકી પાંચમાંથી નહીં પરંતુ છઠ્ઠા માળે ચાર ફૂટની પારાપેટ પરથી પટકાઇ હોવાનું સામે આવતા અઢી વર્ષની બાળકી ચાર ફૂટની દિવાલ ઉપર ચડી શકે નહીં. કોઇએ બાળકીને ઉપાડીને ઘા કરી મોતની ઘાટ ઉતારી હોવાની પોલીસને શંકા જતાં પોલીસે માસુમ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પરિવાર અને પાડોશીની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાથમીક પૂછપરછમાં મૃતક બાળાના નાના જગદીશભાઈ પરસોડાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે-મારી દિકરી પૂનમબેન સંત કબીર રોડ રાજારામ સોસાયટી પાસે શક્તિ સોસાયટીમાં સાસરીયુ ધરાવે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ વશરામભાઇ સાકરીયા સાથે થયા છે. જમાઇ સંજયભાઇ ડ્રાઇવીંગ કરે છે.
તેણીને સંતાનમાં એક દિકરી સ્નેહલ હતી. જેની ઉંમર બે વર્ષ અને ચાર મહિના હતી.

મારી દિકરી પૂનમબેન અને તેણીના પતિ સંજયભાઇ વચ્ચે મનમેળ ન હોઇ જેથી દિકરી એક વર્ષથી મારા ઘરે શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં મારી સાથે રહેતી હતી. અમે આ ટાઉનશીપમાં નવ વર્ષથી રહીએ છીએ. મારી સાથે મારા પત્નિ, દિકરો, પૂત્રવધૂ પણ રહે છે. અમારી બાજુમાં એક વૃધ્ધા વર્ષાબેન બ્રાહ્મણ રહે છે. એક માળમાં 8 ફલેટ આવેલા છે. મારી દોહિત્રી સ્નેહલ અમારા ઉપરના માળે રહેતાં પરિવારમાં એક બીજી નાની દિકરી હોઇ જેથી અવાર-નવાર તેની સાથે રમવા માટે પાંચમા માળેથી છઠ્ઠા માળે જતી હતી.

ગઇકાલે સંધ્યા ટાણે દોહિત્રી સ્નેહલ અમારા ઘરમાંથી ઉપરના માળે રમવા જવા માટે નીકળી હતી. એ પછી થોડી જ મિનીટો બાદ એક બાળક સ્નેહલ પડી ગઇ એવું કહેવા આવ્યો હતો. અમે દોટ મુકી છઠ્ઠા માળ તરફ ગયા ત્યારે ખબર પડી હતી કે સ્નેહલ દાદરા પર નથી પડી પરંતુ તે પાંચમા માળેથી નીચે ફેંકાઇ ગઇ છે. આ વિચાર જ અમને ચોંકાવી ગયો હતો. કારણ કે ચાર ફુટથી વધુ ઉંચાઇની દિવાલની પાળી સુધી આવડી નાનકડી બાળકી કોઇપણ સંજોગામાં પહોંચી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ નીચે ફેંકી દીધાની અમને દ્રઢ શંકા ઉદ્દભવી હતી. પોલીસે પણ ઘટના સ્થળનું પરિક્ષણ કરતાં તેમને પણ ઘટના હત્યાની હોવાનું લાગ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશે.

પોલીસને પણ આ ઘટના હત્યાની જ હોવાનું જણાઇ રહ્યું છે. પણ હત્યા કોણે શા માટે કરી? તે અંગે હાલ કોઇ કડી ન હોઇ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. વિંગમાં નીચેની સાઇડ કેમેરા છે, ઉપર ક્યાંય કેમેરા નથી. આથી કોણે આ ઘટનાને અંજામ આપ્યો? એ શોધવુ હાલ અત્યંત કઠીન છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચૌહાણ, ડી. સ્ટાફ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અજાણ્યા મનોવિકૃત શખ્સ સામે શંકા વ્યકત કરતા બાળકીના નાના
બાળકીના નાના જગદીશભાઇ પરસોડાએ જણાવ્યું હતું કે અમારા પાંચમા માળના ફલેટના રહેવાસીઓ સાથે છેલ્લા ત્રણ દિવસથી કોઇ અજીબ હરકતો કરી રહ્યું છે. અહિં અમારા કપડા કે ચાદર, ગોદડા બહાર સુકવ્યા હોય તો તે લઇને કોઇ નીચે અથવા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દે છે. ચપ્પલ બહાર હોય તો એ પણ ફેંકી દે છે. આવુ કરીને કોઇ વિકૃત આનંદ મેળવી રહ્યું હોઇ તેવુ લાગે છે. સાંજે સાતેક વાગ્યે મારી દોહિત્રી ઉપરના માળે રમવા માટે જવા નીકળી તે પહેલા જ બાજુવાળા વર્ષાબેન બ્રાહ્મણના ફુલછોડના બે કુંડા કોઇએ નીચે ફેંકી દીધા હતાં. કદાચ મારી માસુમ દોહિત્રી આ કુંડા ફેંકનારા શખ્સને જોઇ ગઇ હોય જેના કારણે મારી દોહિત્રીને ફેંકી દીધાની શંકા નકારી શકાતી નથી.પાંચમાં માળે મનોવિકૃત શખ્સની રંજાડના કારણે અમે અમારા ફલેટના દરવાજા બહાર કેમેરા ફીટ કરવાનું નક્કી કર્યુ હતું. ગઇકાલે જ મેં મારા દિકરાને કહી કેમેરા પણ મંગાવી લીધા હતા. આજે ફીટ કરવામાં આવે એ પહેલા જ મારી દોહિત્રી સાથે આ ઘટના બની હોવાનું જાણવ્યુ હતું.