ગુજરાત

રાજકોટથી જયપુર મોકલેલા રૂા.43 લાખના તલ બારોબાર વેચી નાખતો ટ્રક ડ્રાઈવર

Published

on

બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાંથી જયપુર મોકલેલો 43 લાખની કિંમતનો 35 ટન તલનો જથ્થો જયપુર પહોંચે તે પૂર્વે જ ટ્રક ચાલકે બારોબાર વેચી નાખ્યાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રક ચાલક સામે ગુનો નોંધાયા બાદ તપાસ દરમિયાન આ ટ્રક રાજસ્થાન પાસે રેઢો મળી આવ્યો હતો. 43 લાખના તલનો જથ્થો વેચી નાખનાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


મળતી વિગતો મુજબ, બેડી માર્કેટીંગ યાર્ડમાં શ્રીજલ્યાણ નામની પેઢીમાં નોકરી કરતાં અને સાધુવાસવાણી કુંજ રેલનગરમાં ઉત્કર્ષ રેસીડેન્સીમાં રહેતા જયદીપ ધીરજલાલ કોટેચાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના ખેરાજેશાના વતની ટ્રક ચાલક રોહિતસિંઘ હરજીસિંગનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની શ્રીજલ્યાણ પેઢી મારફતે રાજકોટથી રાજસ્થાનના જયપુર ખાતે 35 ટન તલનો ઓર્ડર મળ્યો હોય પેઢીના માલિક વિવેકભાઈ ગણાત્રા અને હરેશભાઈ ચોટાઈ કે જે કમિશન એજન્ટ તરીકે તલની ખરીદી કરે છે તે તલ રાજસ્થાન મોકલવાના હોય જયપુરની યશ ઈન્ડસ્ટ્રીઝમાં આ 43 લાખની કિંમતના તલ રૂડા ટ્રાન્સપોર્ટમાં આવેલ ત્રિમૂર્તિ ટ્રાન્સપોર્ટના માલીક નારણભાઈ મારફતે ગત તા.9-9ના રોજ મોકલ્યા હતાં.

રૂા.43 લાખની કિંમતના આ તલ બે દિવસમાં જયપુર પહોચવાના હતાં પરંતુ તલ ખરીદનાર જયપુરના વેપારીએ તલની ગાડી હજુ સુધી આવી ન હોય જેની જાણ રાજકોટ યાર્ડમાં પેઢી ધરાવતાં વિવેકભાઈને કરી હતી. તપાસ કરતાં ટ્રકનો ચાલક રોહિતસિંગ કે જે રાજસ્થાન રવાના થયો હોય તે જયપુર ટ્રક લઈને પહોંચવાના બદલે આ તલનો જથ્થો બારોબાર વેચી નાખ્યો હતો તેમજ તપાસ કરતાં આ ટ્રક રાજસ્થાનના ધાજાન પાસે ખાલી હાલતમાં રેઢો મળી આવ્યો હતો. આ મામલે અંતે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version