શાપરમાં પગના દુ:ખાવાથી કંટાળી યુવાને એસિડ પી જીવન ટૂંકાવ્યું

શહેરની ભાગોળે આવેલા શાપરમાં રહેતા યુવકને દસ દિવસ પૂર્વે ગાય ઢીકે ચડાવતા યુવકનો પગ ભાંગી ગયો હતો પરંતુ ડાયાબિટીસના કારણે ઓપરેશન થઈ નહીં શકતા પગના…

શહેરની ભાગોળે આવેલા શાપરમાં રહેતા યુવકને દસ દિવસ પૂર્વે ગાય ઢીકે ચડાવતા યુવકનો પગ ભાંગી ગયો હતો પરંતુ ડાયાબિટીસના કારણે ઓપરેશન થઈ નહીં શકતા પગના દુખાવાથી કંટાળી યુવાને એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલા ભૂમિગેટ પાસે રહેતા નિતેશભાઇ નાજાભાઇ મકવાણા નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક નિતેશ મકવાણા બે ભાઈ એક બહેનમાં વચેટ હતો નિતેશ મકવાણા દસ દિવસ પહેલા ચાલીને જતો હતો ત્યારે ગાયે ઢીંકે ચડાવતા નિતેશ મકવાણાનો પગ ભાંગી ગયો હતો પરંતુ ડાયાબિટીસના કારણે પગનું ઓપરેશન નહીં થઈ શકતા પગના દુખાવાથી કંટાળી નિતેશ મકવાણાએ એસિડ પી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.