વેપારી દંપતીના આપઘાત પ્રકરણમાં ત્રણ વ્યાજખોરની ધરપકડ

રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન માઝા મૂકી રહ્યો છે, જેનો વધુ એક કિસ્સો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. શહેરના અટીકા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં લસણ ફોલવાનું કારખાનું…

રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન માઝા મૂકી રહ્યો છે, જેનો વધુ એક કિસ્સો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. શહેરના અટીકા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં લસણ ફોલવાનું કારખાનું ચલાવતા એક મધ્યમવર્ગીય કોળી દંપતીએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, ધમકીઓ અને દબાણથી કંટાળીને પોતાના જ કારખાનામાં લોખંડના એન્ગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. મૃતક રમેશભાઈ માવજીભાઈ ચાવડા (ઉં.વ. 40) અને તેમના પત્ની ભારતીબેન રમેશભાઈ ચાવડા (ઉં.વ. 40) ના કરુણ મોતથી પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જે.બી. રાણીંગા સમક્ષ મૃતકના પિતા માવજીભાઈ કાનજીભાઈ ચાવડા (ઉં.વ. 68) એ પાંચ નામાંકિત વ્યાજખોરો અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

મૃતક રમેશભાઈ છેલ્લા બારેક વર્ષથી અટીકા વિસ્તારમાં ભાડે રાખેલા કારખાનામાં લસણનો વેપાર કરતા હતા. ધંધા અર્થે તેમણે ગોગન કારાભાઇ બંધીયા અને નિશાબેન બુખારી નામના વ્યાજખોરો પાસેથી આશરે ત્રણ મહિના પહેલા સાડા ચાર લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા. આ સાડા ચાર લાખના બદલામાં રમેશભાઈએ અત્યાર સુધીમાં વ્યાજ અને મુદ્દલ થઈને કુલ 21 લાખ રૂૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં, ગોગન બંધીયાએ ચાર દિવસ પહેલા જ પરાણે દબાણ કરીને હજુ 20 લાખ રૂૂપિયા લેવાના નીકળે છે તેવું બળજબરીથી લખાણ કરાવી લીધું હતું અને દંપતીના સહીવાળા બેંકના ચેક પણ પડાવી લીધા હતા. આ ઉપરાંત, મધ્યસ્થી બનેલી નિશાબેન બુખારી પાસેથી પણ સાડા ચાર લાખ લીધેલા, જેની સામે 15 લાખ ચૂકવી દીધા હોવા છતાં તેણે બે મહિના પહેલા પરાણે 9 લાખનું લખાણ કરાવી લીધું હતું. અન્ય એક વ્યાજખોર નિઝામ અબ્બાસભાઈ ઘુસા પાસેથી લીધેલા 1 લાખ સામે 1.20 લાખ ચૂકવ્યા છતાં તે રોજનું 4 હજાર વ્યાજ ઉઘરાવતો હતો. જ્યારે અજયસિંહ જેના નામના શખ્સે 2 લાખની વસૂલાત બાદ પણ ધંધાના સ્થળે આવી ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. આટલું ઓછું હોય તેમ, વ્યાજના રૂૂપિયા પેટે દંપતીની વાદળી કલરની મારુતિ સેલેરિયો કાર પણ ’બાપુ’ નામનો શખ્સ પરાણે પડાવી ગયો હતો.

બનાવની આગલી રાત્રે રમેશભાઈ ભારે ટેન્શનમાં હતા અને તેમણે કોરાટ ચોક ખાતે ગેરેજ ચલાવતા પોતાના પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસ પાસે વ્યાજખોરોને આપવા માટે વધુ 8 લાખ રૂૂપિયાની માંગણી કરી હતી. રમેશભાઈએ રડતા-રડતા પરિવારને જણાવ્યું હતું કે જો તેઓ તાત્કાલિક રૂૂપિયા નહીં ચૂકવે તો વ્યાજખોરો તેમની પાસેથી રોજનું 70 હજાર રૂૂપિયા વ્યાજ વસૂલશે, જ્યારે તેઓ છેલ્લા છ દિવસથી રોજનું 42 હજાર વ્યાજ ભરી જ રહ્યા હતા. વ્યાજના આ ભયાનક વિષચક્રમાં ફસાયેલું દંપતી આખી રાત જાગતું રહ્યું અને રડતું રહ્યું હતું. મોડી રાત્રે આશરે પોણા બે વાગ્યે પિતાએ પરિવારના અન્ય સભ્યોને સમજાવવા માટે બોલાવ્યા, તે દરમિયાન દંપતી પોતાની એક્સેસ મોટરસાયકલ લઈને કોઈને કહ્યા વગર કારખાને નીકળી ગયું હતું. પરિવારે સતત ફોન કરવા છતાં ફોન ન ઉપાડતા, પિતા અને ભત્રીજો લક્ષ્મીદાસ રાત્રે ત્રણ વાગ્યે અટીકા કારખાને પહોંચ્યા હતા. ત્યાં કારખાનાનું શટર ઊંચું કરતા જ અંદર લાઈટ ચાલુ હતી અને રમેશભાઈ તેમજ ભારતીબેન લોખંડના એન્ગલ સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 112 અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં ડોક્ટરોએ દંપતીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતકના 15 વર્ષના પુત્ર જય અને લક્ષ્મીદાસે રમેશભાઈનો મોબાઈલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારા પુરાવા મળી આવ્યા છે. વ્હોટ્સએપમાં ’નિશા મેમ’ અને ’ગોગનભાઈ’ નામના નંબરો પર વ્યાજના રૂૂપિયાની આપ-લેની ચેટ, બેંક એકાઉન્ટની વિગતો અને ઓનલાઈન રૂૂપિયા ટ્રાન્સફર કર્યાના ફોટા મળી આવ્યા છે, જે પોલીસે કબજે લીધા છે. આ ઘટનામાં લાલપુરના ગોકુલ દર્શન શેરી નં.12માં રહેતા ગોગન બંધીયા, ભગવતી પાર્કના એજી પાર્કના કફરૂનનીશા બુધારી અને પોપટપરા શેરી નં.16ના નિઝામ ઢુસાની ધરપકડ કરાઇ છે.