રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં ફરી એકવાર ઓડીયા ગેંગના સાગરીતોનો આતંક સામે આવ્યો છે. ન્યુ થોરાળા રામનગર સોસાયટીમાં રહેતા અને ગંજીવાડાના નાકા પાસે જે.ડી. રેસ્ટોરન્ટ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 49 વર્ષીય વેપારી જુસબભાઈ ઉર્ફે જુસો આમદભાઈ ઘુઘાને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. આ અંગે જુસબભાઈએ થોરાળા પોલીસ સ્ટેશનમાં અવેશ ઉર્ફે અવલો ઓડીયા અને અબ્દુલ દલ નામના બે શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 352, 351(3) અને 3(5) મુજબ વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને થોરાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભૌતિક રામજીભાઈ સાવલિયાને સોંપી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત રવિવારે રાત્રિના આશરે આઠ વાગ્યાની આસપાસ જુસબભાઈ તેમના મિત્ર આરીફભાઈ પઠાણ સાથે ગંજીવાડાના નાકા પાસે આવેલી પોતાની રેસ્ટોરન્ટના ચોકમાં ઉભા હતા. તે સમયે એક્સેસ સ્કૂટર પર અરબાજ રાઉમા અને અવેશ ઉર્ફે અવલો ઓડીયા ત્યાંથી નીકળ્યા હતા અને ફરિયાદી જુસબભાઈ સામે જોઈને કાતર મારીને ચાલ્યા ગયા હતા. આ ઘટનાના આશરે પંદર મિનિટ પછી, આરોપી અબ્દુલ દલે તેના મોબાઈલ નંબર પરથી આરીફભાઈ પઠાણના ફોન પર કોલ કર્યો હતો. જુસબભાઈ બાજુમાં જ બેઠા હોવાથી ફોન સ્પીકર પર રાખવામાં આવ્યો હતો, જેમાં અબ્દુલ દલ અને અવેશ ઉર્ફે અવલો બંને જોરજોરથી જુસબભાઈનું નામ દઈને માતા-બહેન સમણી ગાળો આપવા લાગ્યા હતા. એટલું જ નહીં, પણ ’જુસો ભેગો થાય એટલે તેના ઉપર ફાયરિંગ કરવું છે’ તેમ કહી ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ જીવલેણ ધમકી પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આજથી નવ મહિના પહેલા થોરાળા વિસ્તારની કુખ્યાત ઓડીયા ગેંગના માણસો ઉપર થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે ફરિયાદી જુસબભાઈએ પોલીસમાં અરજી આપી હોય, જેનો કટ્ટર ખાર રાખીને આ બંને શખ્સોએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું.
