કુવાડવા રોડ પર મોડી રાત્રે સગા બે ભાઈ સહિત ત્રણ મિત્રો ઉપર ધારદાર હથિયાર વડે હુમલો

શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ નજીક મોડી રાત્રે નશાખોર શખ્સોએ આતંક મચાવી લૂંટ, અપહરણ અને હિંસક હુમલાની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી ગઈ છે.…

શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ નજીક મોડી રાત્રે નશાખોર શખ્સોએ આતંક મચાવી લૂંટ, અપહરણ અને હિંસક હુમલાની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી ગઈ છે. નશો કરવા માટે પૈસા આપવાનો ઇનકાર કરતા જ ફારૂક નામના શખ્સે તેના સાગરીતો સાથે મળીને બે સગા ભાઈઓ સહિત ત્રણ યુવકો પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ યુવકનું અપહરણ કરી બાઇકની લૂંટ ચલાવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટી-2 માં રહેતા અશોક ટીસા કરેડીયા (ઉં.વ. 26) અને તેનો સગો ભાઈ રાહુલ ટીશા કરેડીયા ઇન્વિટેશન (પત્રિકા) આપવાનું કામકાજ કરે છે. જ્યારે તેમનો મિત્ર મિત મનીષભાઈ ચુડાસમા (ઉં.વ. 26) ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ગઈકાલે રાત્રે આશરે 11:00 વાગ્યાની આસપાસ આ ત્રણેય મિત્રો કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ આશ્રમની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં ફારૂક અને તેની સાથેના અન્ય અજાણ્યા માણસો ત્રાટક્યા હતા. ફારૂકે અશોક પાસે આવીને નશો કરવા માટે પૈસાની માંગણી કરી હતી.

અશોકે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં જ ઉશ્કેરાયેલા ફારૂક અને તેની ગેંગે લોખંડના પાઇપ અને ધારદાર હથિયારો કાઢી ત્રણેય યુવકો પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ અશોક, તેના ભાઈ રાહુલ અને મિત્ર મિતને આડેધડ ઘા ઝીંકીને લોહીલુહાણ કરી મૂક્યા હતા. ઇજાગ્રસ્ત અશોકે હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હુમલાખોર ફારૂક અને તેના માણસોએ આતંક મચાવીને મિત ચુડાસમાનું મોટરસાયકલ લૂંટી લીધું હતું. આટલેથી ન અટકતા, તેઓએ અશોકના ભાઈ રાહુલનું અપહરણ કરી લીધું હતું અને તેને અન્ય સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. તેમજ ત્યાં પડેલી ગાડીના કાચ તોડી નાખી ભારે તોડફોડ કરી હતી.

મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં અશોક, રાહુલ અને મિતને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસે હોસ્પિટલ પહોંચી ભોગ બનનાર યુવકોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.