અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે આજે 28 જૂને કાર્યવાહી કરીને બેંગકોકથી આવેલા જુનાગઢના એક શખસને 11 કરોડના હાઈડ્રોપોનીક ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ તેની બેગમાં સિલ્વર રંગની 5 પોલીથીન પેકેટમાં આ નશીલો પદાર્થ છૂપાવ્યો હતો. આ સમગ્ર સફળ ઓપરેશનમાં કસ્ટમ્સના એક વર્ષના સ્નિફર ડોગે(કેનાઇન) તેના પ્રથમ કેસમાં જ કમાલ કરી બતાવીને આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના પગલે એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગની બાજ નજરના કારણે અવારનવાર ગાંજાની દાણચોરી તથા સોનાનો જથ્થો પકડે છે. ચેક-ઇન કરેલા સામાનની તપાસ દરમિયાન, સ્નિફર ડોગ (કેનાઇન) એ માદક દ્રવ્યોની હાજરીનો સકારાત્મક સંકેત આપ્યો હતો. બેગેજ ટેગના આધારે, મુસાફરની ઓળખ કરવામાં આવી હતી.
એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ 28 જૂન 2026ના રોજ ફ્લાઇટ નંબર TG-343 દ્વારા બેંગકોકથી આવેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. મુસાફરની ચેક-ઇન કરેલી ટ્રોલી બેગની સંપૂર્ણ તપાસના પરિણામે સામાનની અંદર છુપાયેલા લીલા રંગના છોડના પદાર્થો ધરાવતા 5 ચાંદીના રંગના પોલીથીન પેકેટ મળી આવ્યા હતા.
11 કરોડના ગાંજા સાથે જુનાગઢનો શખસ ઝડપાયો જપ્ત કરાયેલા પદાર્થનું ફિલ્ડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં હાઇડ્રોપોનિક ગાંજા માટે સકારાત્મક પરિણામ આવ્યું હતું. જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થનું કુલ વજન 10,911 ગ્રામ હતું. આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે એક કિલોના 1 કરોડ ગણવામાં આવે તો અંદાજે 11 કરોડની કિંમત થવા જાય છે.
નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) અધિનિયમ, 1985ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. મુસાફર સૈફુલ્લા ઇબ્રાહિમ ખાદીમ (રહે. માંગરોળ, જૂનાગઢ)ની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જથ્થો પકડનાર ડોગ (કેનાઇન)નો આ પ્રથમ કેસ છે. તે ત્રણ મહિનાનો હતો ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા તેને લાવવામાં આવ્યો હતો. અમૃતસરના અટારીમાં તેને નવ મહિનાની તાલીમ આપવામાં આવી હતી.
તાજેતરમાં જ તેણે અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ કેસમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપ્યો હતો તેની વધુ તપાસ ચાલુ છે.
રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની
