Site icon Gujarat Mirror

શહેર ભાજપ સંગઠનમાં ધારાસભ્યોની ભલામણો કામ કરી ગઈ

મહામંત્રી પદ પાટીદાર, ઓબીસી અને ક્ષત્રિય સમાજને, કિશન ટીલવા અને બાપુ માટિયાને પ્રમોશન, કિસાન અને આદિવાસી મોરચા રીપીટ : જ્ઞાતિ-વોર્ડનું સંતુલન જાળવવા પ્રયાસ

મહિલા મોરચામાં લીનાબેન રાવલ, યુવા મોરચામાં મિલન લિંબાસિયા, અનુ.જાતિ મોરચામાં મનોજ દુબલને પ્રમુખપદ

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દ્વારા રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનને મંજુરીની મ્હોર મારી દેવામાં આવતાં મોડી સાંજે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ નવુ સંગઠન જાહેર કર્યુ હતું.

શહેર ભાજપની નવી ટીમમાં મુખ્ય તમામ હોદ્દેદારો નવા મુકવામાં આવ્યા છે. જો કે, અગાઉ સંગઠનમાં રહેલા કેટલાક નેતાઓને પ્રમોશન અપાયા છે. યુવા ભાજપ મોરચાના પ્રમુખ કિશન ટીલવાને પ્રમોશન આપી શહેર ભાજપ મંત્રી બનાવાયા છે. તો બક્ષીપંચ મોરચાના મહામંત્રી બાબુ માટીયાને પ્રમુખ બનાવાયા છે. જ્યારે કોષાધ્યક્ષ તરીકે મયુર શાહ અને કાર્યાલય મંત્રી હિતેશ ડોલરીયાને રિપીટ કરાયા છે તો કિશાન મોરચો અને આદિવાસી મોરચો પણ રિપિટ કરાયા છે.

શહેર ભાજપના નવા સંગઠનમાં ચારેય ધારાસભ્યોની ભલામણ વધુ કામ કરી ગઈ હોવાની છાપ ઉપસે છે.
આ ઉપરાંત મહામંત્રીપદમાં પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી સમાજને સાચવી લેવાયા છે. સામાકાંઠા વિસ્તારના જુના જોગી વલ્લભભાઈ દુધાત્રા, વોર્ડ નં.1માંથી લલિતભાઈ વાડોલીયા અને વોર્ડ નં.12માંથી યોગેન્દ્રસિંહ જાડેજાને મહામંત્રી બનાવાયા છે. વિવિધ હોદ્દાઓ માટે તમામ વોર્ડને પણ પ્રતિનિધિત્વ અપાયું છે. એક માત્ર રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પીઢડીયાના વોર્ડ નં.4માંથી કોઈને સંગઠનમાં હોદ્દો અપાયો નથી. આ અંગે શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે હજુ પ્રભારી સહિતના અનેક હોદ્દેદારોની નિમણૂંકો બાકી છે તેમાં તમામ વોર્ડને પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન કરાયું છે. જો કે, લાંબા સમયથી હોદાની રાહ જોતા અને જેના નામ ફાઈનલ મનાતા હતાં તેવા આગેવાનોને કોઈ હોદ્દો અપાયો નથી.

શહેર ભાજપના નવા સંગઠનમાં પ્રમુખ સિવાય 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 3 મહામંત્રી, સોશિયલ મીડિયા વિભાગ, આઈ.ટી.વિભાગ, મીડિયા વિભાગ, ઉપરાંત યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો, અનુ.જાતિ મોરચો, અનુ.જનજાતિ મોરચો અને લઘુમતિ મોરચાના પ્રમુખ બે મહામંત્રી સહિત કુલ 43 હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

ઉપપ્રમુખ
શહેર ભાજપના નવા ઉપપ્રમુખ પદે મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ પીપળીયા, ભાર્ગવ મિયાત્રા, દીપાબેન કાચા, કેતનભાઈ વાછાણી, કૌશિકભાઈ ચાવડા, સોમાભાઈ ભાલીયા અને મેઘાબેન વૈશ્ર્નવને નિમણૂંક અપાઈ છે.

મંત્રી
મંત્રી તરીકે કિશન ટીલવા, ગોલાભાઈ રબારી, સુનિલ ગોહેલ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા તથા અરૂણાબેન પરમારને જવાબદારી સોંપાી છે.

અન્ય હોદ્દેદારો
સોશિયલ મીડિયામાં શ્યામ ડાભી, આઈ.ટી.માં નીખીલેશ રાઠોડ તથા હાર્દિક બોરડને પ્રમુખપદ સોંપાય છે. કિશાન મોરચામાં યોગેશ ભુવાને રિપીટ થયા છે. મહિલા મોરચામાં લીનાબેન રાવલને પ્રમુખ બનાવાયા છે તો યુવા મોરચામાં મિલન લિંભબાસીયાને રિપીટ કરાયા છે. જ્યારે બક્ષીપંચ મોરચામાં બાબુ માટીયાને મંત્રીમાંથી પ્રમુખ બનાવાયા છે. અનુ.જાતિ મોરચામાં દિનેશ ગોહેલ, અનુ.જનજાતિ મોરચામાં મનોજ દુબલ અને લઘુમતિ મોરચામાં ઈબ્રાહીમભાઈ સોનીને પ્રમુખની જવાબદારી મળી છે.

સંગઠન જાહેર થતાં જ ભાજપના કોર્પોરેટર અને મહિલા કાર્યકરની બિભત્સ ચેટ વાયરલ
રાજકોટ ભાજપનું નવું સંગઠન જાહેર થયાને હજી માંડ 24 કલાક પણ વીત્યા નથી, ત્યાં રાજકોટથી હલચલ મચાવી દે તેવી ખબર આવી છે. રાજકોટ ભાજપના કોર્પોરેટરની ભાજપના જ એક મહિલા કાર્યકર્તા સાથેની બિભત્સ ચેટ વાયરલ થઈ છે. આ વાયરલ ચેટથી રાજકોટ ભાજપમાં ઉહાપોહ મચી ગયો છે. આખરે કોણે છે. ભાજપના વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણા પોતાના જ વોર્ડની ભાજપની મહિલા સાથે બિભત્સ ચેટ કરતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. કોર્પોરેટર મહિલા સાથે બિભસ્ત વાતો કરતા હોવાની ચેટથી ખળભળાટ મચી ગયો છે. વાયરલ ચેટમાં સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો.

Exit mobile version