Site icon Gujarat Mirror

દુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂૂપે છુપાવ્યું હતું, જે જોતાં પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું, પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતાં આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016થી અમદાવાદ પહોંચેલા એક શખસને અટકાવીને તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન શખસ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા 324.140 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 51,73,274 જેટલી થાય છે.

કસ્ટમ્સના અધિકારીઓને શખસની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે શખસે સોનાને પેસ્ટના સ્વરૂૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવેરમાં છુપાવ્યું હતું. આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ 277.800 ગ્રામ શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રાપ્ત થયું હતું, જેની કિંમત અંદાજે 44,33,688 આંકવામાં આવી છે. આમ, અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ બજાર કિંમત 96,06,962 થાય છે. અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરી શખસની અટકાયત કરી છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ શખસો સામેલ છે કે કેમ એ અંગે હાલ વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Exit mobile version