Site icon Gujarat Mirror

કુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારો

 

ભોમેશ્ર્વર મંદિર પાસે મધરાત્રે ધમાલ થતા તંગદિલી, બુટલેગરને ઇજા

રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો છે. ત્યારે વધુ એક ઘટનામા જંગલેશ્ર્વર વિસ્તારમા રહેતો કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન મધરાત્રે ભોમેશ્ર્વર મંદિર પાસે હતો ત્યારે તેની સાળી અને સાળા સહીતનાં શખસોએ ધારીયા, તલવાર વડે હુમલો કર્યો હોવાનાં આક્ષેપ સાથે સારવાર અર્થે ખસેડાયો હતો. મધરાત્રે બોલેલી બઘડાટીમા બંને પક્ષે સામ સામે પથ્થરમારો થયો હોવાનુ વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમા આવેલા ભવાની સર્કલ પાસે રહેતા અને ગુનાહીત ઇતિહાસ ધરાવતા બુટલેગર હર્ષદ માણેકલાલ માંડલીયા (ઉ.વ. 46) રાત્રીનાં એકાદ વાગ્યાના અરસામા ભોમેશ્ર્વર મંદિર પાસે હતો ત્યારે તેની સાળી હીરલબેન કોટક અને સાળા રાજુ કોટકે ધારીયા અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા બુટલેગર હર્ષદ મહાજનને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમીક પુછપરછમા હર્ષદ મહાજને મેઘાબેન સાથે પ્રેમલગ્ન કર્યા છે. આગલા ઘરના સંતાનો મુદે ઝઘડો થતા પત્ની મેઘાબેન છેલ્લા 1પ દિવસથી રીસામણે ચાલી ગઇ હતી જેના સમાધાન માટે બોલાવી સાળી અને સાળાએ હુમલો કર્યો હોવાનુ હર્ષદ મહાજને આક્ષેપ કર્યો છે.

મધરાત્રે જાહેરમા થયેલી મારામારી અને પથ્થરમારાનો સોશ્યલ મીડીયામા વીડીયો વાયરલ થયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવકનુ નિવેદન નોંધી અને વીડીયોનાં આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version