ગુજરાત

સાગઠિયા વખતમાં હેતુફેર થયેલા પ્લોટ અને રસ્તા કપાતની વિગત માગતું વિપક્ષ

Published

on

મનપાના આવતી કાલના જનરલ બોર્ડમાં જમીન કૌભાંડનો મુદ્દો ગાજવાની શક્યતા


મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા પૂર્વ ટીપીઓ સાગઠિયાના વખતમાં થયેલા કૌભાંડો બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ તેવા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જેમાં મનપાએ અત્યાર સુધીમાં કેટલાક પ્લોટ હેતુફેર કર્યા તેમજ ક્યાપ્લોટ મનપાએ વિવિધ સંસ્થાઓને આપ્યા અને પ્લોટમાં કપાત કરીને મુળખંડમાં જમીન પરત આપવાની ટીપીની તમામ વિગતો પ્લોટ નં. ઠરાવ સાથે અને છેલ્લા બે વર્ષમાં 15 મીટરથી ઉંચી બિલ્ડીંગના કેટલા પ્લાન્ટને મંજુરી અપાઈ અને મંજુરી આપનાર અધિકારીનું તથા આર્કિટેકનું નામ સહિતના પ્રશ્ર્નો પુછી સાશકપક્ષને ભીડવવાનો પ્રયાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.


વિપક્ષી નેતા દ્વારા સ્મશાન લાકડા કૌભાંડ અંતર્ગત કેટલા લાકડા કપાણા અને જે જગ્યાએ આપવામાં આવ્યા તે બન્નેના હિસાબનો મેળ છે કે નહીં તેમજ એજન્સીઓને બીલ ચુકવાય છે ત્યારે ક્યા ક્યા અધિકારીઓની સહીઓ થતી હોય છે.


તેમજ લાકડા કાપ્યાથી નિકાલ સુધીમાં કોની જવાબદારી આવે છે તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં ક્યા ક્યા લાકડા કપાયા અને કેટલા પહોંચ્યા તેમજ બીલ કેટલા મુકવામાં આવ્યા અને કેટલા બીલ ચુકવી દિધા તેમજ એજન્સીએ લાકડાની જે પહોંચ આપી હોય તેની તપાસ કરવામાં આવી છે કે નહીં અને એજન્સીને કામ અપાયુ તે સમયની ટેન્ડરની તમામ વિગત સહિતની જાણકારી માંગવામાં આવી છે. આથી સ્મશાનના લાકડા મુદ્દે જનરલ બોર્ડમાં વિપક્ષ અધવચ્ચે જ બોર્ડની કામગીરી અટકાવે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.


મનપાના જનરલ બોર્ડમાં એજન્ડામાં વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબોને નાણાકીય સહાય તેમજ બેઝ એફએસઆઈ તેની ઉપર વધારાની એફએસઆઈની રકમ તથા ટીપી સ્કીમમાં ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસ નક્કી કરવા તથા આઈસીડીએસ વિભાગમાં સ્ટાફ સેટઅપમાં સુધારો તથા સેક્રેટરી વિભાગનું સેટઅપ રિવાઈઝ કરવા પુનિત નગર પાસે મટુકી રેસ્ટોરન્ટ ચોકનું ખોડલચોક નામકરણ કરવા અને લેવલ-9ના વર્ગ-2માં ફરજ બજાવતા કર્મચારી અધિકારીને સાતમા પગાર પંચનો લાભ આપો તથા ટીપીઓ એમ.ડી સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના ગુનાના કામે પ્રોસિક્યુશન ચલાવવાની મંજુરી આપવી તેમજ જનભાગીદારી યોજનામાં ગ્રાન્ટના નિતિનિયમો મંજુર કરવા અને ફાયર વિભાગમાં નવુ મહેકમ ઉભુ કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

શહેરમાં થયેલા જમીન કૌભાંડો બહાર આવશે કે કેમ?

મહાનગરપાલિકાના અમુક વિભાગ દ્વારા વર્ષોથી જમીન કૌભાંડમાં સહકાર આપી ભૂમાફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાની ફરિયાદો વર્ષોથી ઉઠી રહી છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાના કરતુત્વ ખુલ્યા બાદ વિપક્ષ પણ હવે જમીન કૌભાંડો મુદ્દો મેદાનમાં આવ્યું છે અને પ્રજા સમક્ષ કૌભાંડો ખોલવા જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે. અત્યાર સુધી થયેલા જમીન કપાત તેમજ હેતુફેર થયેલ પ્લોટ સહિતની વિગતો માંગવામાં આવી છે. જેનો સાચો જવાબ તંત્ર દ્વારા આપવામાં આવે તો અનેકના રોટલા અભડાઈ શકે તેમ હોય આ પ્રકારના કૌભાંડો બહાર લાવવાની હિંમત તંત્ર કરશે કે કેમ? તે તરફ સૌની મીટ મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version