ગુજરાત

ફાયર એનઓસીની કામગીરી હવે વોર્ડવાઈઝ કરાશે

Published

on

7 ફાયર સ્ટેશન અને 1 ઈમરજન્સી રિસ્પોન્સ વચ્ચે વોર્ડની વહેંચણી કરી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરાશે


અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટના બાદ રાજકોટમાં અનેક મિલ્કતોને ફાયર એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે સીલ મારવામાં આવ્યા હતાં. બાદમાં ભારે ઉહાપોહ વચ્ચે સોગંદનામા લઈને સીલ ખોલવાની કામગીરી પણ કરવામાં આવી હતી. હવે આ મિલ્કત ધારકો દ્વારા ફાયર એનઓસી મેળવવા માટેની ઢગલાબંધ અરજીઓ પેન્ડીંગ હોય તેના ઝડપથી નિકાલ માટે હવે વોર્ડવાઈઝ ફાયર સેફ્ટીને લગતી કામગીરી કરવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ અખબારી યાદીમાં આજે જણાવાયું છે કે, હવે રાજકોટના 18 વોર્ડમાં આવેલી મિલ્કત ધારકોએ ફાયર એનઓસી મેળવવા માટેની કામગીરી રાજકોટના સાત ફાયર સ્ટેશન અને એક ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે કરવાની રહેશે. આ માટે અલગ અલગ ફાયર સ્ટેશનો દીઠ બે કે ત્રણ વોર્ડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના કનક રોડ ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 7 અને 14, કાલાવડ રોડ ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 8, 10 અને 11, બેડીપરા ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 5, 6, અને 15, મવડી ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 12 અને 13, રામાપીર ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 1 અને 9, કોઠારિયા ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 16, 17 અને 18, રેલનગર ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 2 અને 3 તથા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં વોર્ડ નં. 4 ના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.


જો કે, હજી ક્યા સ્ટેશન ઓફિસરને ક્યુ ફાયર સ્ટેશન ફાળવવામાં આવશે તેનો સત્તાવાર ઓર્ડર કરવાનો બાકી છે. જે બે-ત્રણ દિવસમાં જ કરી દેવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળશે.

1 એપ્રીલ 2024થી અત્યાર સુધીમાં 77 ફાયર એનઓસી ઈસ્યુ કરાઈ
આ અંગે ફાયર સ્ટેશન ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતુ ંકે, હાલમાં ફાયર એનઓસી ઈસ્યુ કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. દરરોજ 12 થી 14 કલાક કામ કરીને લોકોને ફાયર એનઓસીની અરજીમાં ઘટતા ડોક્યુમેન્ટ અંગે સમજ આપીએ છીએ તા. 1-4-24થી લઈને આજ દિન સુધીમાં 130 અરજીઓ ઈન્વર્ડ કરવામાં આવી હતી. જે પૈકી 77 એનઓસી ઈસ્યુ કરી દેવામાં આવી છે.

મનપાના ઈમરજન્સી સર્વિસ વિભાગમાં એક સાંધોને તેર તુટે તેવી સ્થિતિ, ડેપ્યુટી ફાયર સેફ્ટી ઓફિસર મેડીકલ લીવ પર, વધુ એક રાજીનામું પડશે?


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા અને સ્ટેશન ઓફિસર આર.એ. વિગોરાની હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્યારે હવે ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગમાં એક સાંધોને તેર તુટે તેવી સ્થિતિ ઉભી છે. હાલમાં જ રાજકોટના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ મારુ સાહેબ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ એચ.પી. ગઢવીને સોંપવામાં આવ્યો છે. પરંતુ હવે વધુ એક અધિકારીએ રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. કામના વધુ પડતા ભારણને લીધે હાલ ફાયર વિભાગમાં કોઈ ફરજ બજાવવા તૈયાર નથી. આ ઉપરાંત એક સ્ટેશન ઓફિસર ત્રણ મહિનાની અંદર જ નિવૃત થવાના હોય સ્ટાફમાં વધારે ઘટાડો થશે. હાલમાં જેટલા અધિકારીઓ છે તેઓમાં પણ એક અધિકારીને બેથી ત્રણ વોર્ડમાં ફાયર એનઓસી માટે ચેકીંગમાં જવું પડતું હોય વધારાના સ્ટાફ મુકે તેવી પણ માંગણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version