જામનગરના અનેક વેપારીઓને 1.33 કરોડના શિશામાં ઉતારનાર ભેજાબાજ નવસારીથી પકડાયો

જામનગર શહેરના અનેક લોકો સાથે વેપાર તથા બેન્ક ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરાવી ઊંચું કમિશન આપવાની લાલચ આપી કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂૂપિયાની…

જામનગર શહેરના અનેક લોકો સાથે વેપાર તથા બેન્ક ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરાવી ઊંચું કમિશન આપવાની લાલચ આપી કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નવસારી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. 24 મે, 2026ના રોજ જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં ફરિયાદી મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા તથા અન્ય ભોગ બનનારાઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ, (રહે. વાલકેશ્વરી નગરી, સાશ્વત એપાર્ટમેન્ટ, જામનગર)એ પોતે કાપડનો વેપાર કરતો હોવાની તેમજ વિવિધ બેન્કોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામગીરી કરતો હોવાની ઓળખ આપી હતી.
આરોપીએ પોતાના કાપડના વેપાર અને ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં રોકાણ કરવા બદલ આકર્ષક કમિશન અને સારો નફો આપવાની લાલચ આપી ફરિયાદી તેમજ અન્ય લોકોને વિશ્વાસમાં લીધા હતા.

ત્યારબાદ બેન્ક ચેક, ગુગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂૂપિયા મેળવ્યા હતા. રકમ મેળવ્યા બાદ આરોપીએ વચન મુજબ કોઈ કમિશન કે રોકાણની રકમ પરત કરી નહોતી અને પોતાના પરિવાર સાથે નાસી જઈ ફરિયાદી સહિત અનેક લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર હતો.