ચોટીલા હાઈવે પર પાંચ કિમી ટ્રાફિક ટેરર, લોકો તડકામાં સેકાયા

નવ કલાક સુધી ચક્કાજામની સ્થિતિ, 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ અમુક ચાલકો હાઈવે છોડી શેરી-ગલીઓમાં વાહન ચલાવલા મજબૂર બન્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા નેશનલ હાઈવે પર આજે…

નવ કલાક સુધી ચક્કાજામની સ્થિતિ, 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ

અમુક ચાલકો હાઈવે છોડી શેરી-ગલીઓમાં વાહન ચલાવલા મજબૂર બન્યા

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા નેશનલ હાઈવે પર આજે વહીવટી તંત્રના કથિત મિસ-મેનેજમેન્ટને કારણે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ટ્રાફિક જામ સર્જાયો હતો. રવિવાર, વેકેશન અને પવિત્ર પુરુષોત્તમ માસની પૂનમનો ત્રિવેણી સંગમ હોવા છતાં, ટ્રાફિક નિયમન કરવામાં ગઈ કાલે તંત્રનો ‘પન્નો ટૂંકો’ પડતાં લાખો પ્રવાસીઓએ કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યાથી જ રાજકોટ અને અમદાવાદ તરફ જતો હાઈવે અંદાજે 5 થી 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારોથી ઉભરાઈ ગયો હતો. આ આઠ-નવ કલાક લાંબા નોન-સ્ટોપ જામમાં દર્દીઓ માટેની ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાયેલી જોવા મળી હતી, જે તંત્રની ગંભીર લાપરવાહી છતી કરે છે.

મુખ્ય હાઈવે પર કલાકો સુધી અટવાયેલા વાહનચાલકોએ બહાર નીકળવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવાનું શરૂૂ કર્યું હતું. જેને કારણે ચોટીલા શહેરની સાંકડી ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાં નાના-મોટા ચાર પૈડાવાળા વાહનોનો મેળો જામ્યો હતો. શહેરીજનો માટે આ દ્રશ્યો તંત્રની અણઆવડતના ઉત્કૃષ્ટ નમૂના સમાન અને હાસ્યાસ્પદ બન્યા હતા.

રોડ મરામત અને અકસ્માત: ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલા ચાણપા બ્રિજ પર ચાલી રહેલું મરામત કામ અને વહેલી સવારે થયેલા બે નાના અકસ્માતો. એડવાન્સ પ્લાનિંગનો અભાવ: દર પૂનમે આવતા હજારો વાહનો અને પવિત્ર માસના ઘસારાની આગોતરી જાણ હોવા છતાં ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનનો સંપૂર્ણ અભાવ. પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને જી.આર.ડી. (GRD) જવાનોની હાજરી હોવા છતાં યોગ્ય સેન્સ અને દિશાનિર્દેશ ન હોવાને કારણે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.

આટલો મોટો જામ સર્જાયા બાદ છેક મોડેથી જાગેલા તંત્ર દ્વારા ટ્રાફિક હળવો કરવા માટે દોડધામ શરૂૂ કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ભારે જહેમત બાદ બપોરે 2:00 વાગ્યે આ રૂૂટ પર વાહનવ્યવહાર ધીમે-ધીમે પૂર્વવત થયો હતો.

ચોટીલા ચામુંડાધામમાં આટલા વર્ષોમાં દિવાળી જેવા મોટા તહેવારોના દિવસોમાં પણ હાઇવે ટ્રાફિકમાં આવા દ્રશ્યો કદી નથી સર્જાયા ત્યારે આ ઐતિહાસિક ગણાય તેવા ટ્રાફિક જામ ને કારણે સર્જાયેલ અંધાધૂંધી અને ટ્રાફિક નિયમન ની ગડબડ સર્જાવા પાછળ ઘોર લાપરવાહી ની ચર્ચા સાથે જનતામાં આવનાર સમય અને વધતા વાહનો અને યાત્રિકોનાં સારા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.