કટારિયા ચોકડીનો ડબલ ડેકર કેબલ બ્રિજ ‘સ્વ. વિજયભાઇ આઇકોનિક બ્રિજ’થી ઓળખાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઇ રૂૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ આજીવન ચૂકવી શકે તેમ નથી તેવી સમગ્ર શહેરીજનોની પ્રબળ લાગણીને પરિપૂર્ણ કરવા માટે રાજકોટ…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઇ રૂૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ આજીવન ચૂકવી શકે તેમ નથી તેવી સમગ્ર શહેરીજનોની પ્રબળ લાગણીને પરિપૂર્ણ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના કટારિયા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક ડબલ ડેકર આઇકોનિક કેબલ બ્રિજનું નામકરણ ’સ્વ. વિજયભાઇ રૂૂપાણી આઇકોનિક બ્રિજ’ કરવા માટે આજે મનપામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

સ્વ. વિજયભાઇ રૂૂપાણીની સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂૂઆત રાજકોટની ધરતીથી જ થઈ હતી. તેઓ માત્ર જાહેર જીવન ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક સેવાના ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. વિજયભાઇ અને તેમનો સમગ્ર પરિવાર લોકકલ્યાણ અને સેવાકાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે. સ્વ. વિજયભાઇના સ્વર્ગસ્થ પુત્ર પુજીતના નામથી ચાલતા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ઝૂપડપટ્ટીના વંચિત બાળકોના શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર સહિતના અનેકવિધ માનવતાવાદી સેવાકાર્યો અવિરતપણે ચાલી રહ્યા છે, જે તેમનો સમાજ પ્રત્યેનો અજોડ પ્રેમ દર્શાવે છે.

મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સ્વ. વિજયભાઇ રૂૂપાણીએ રાજકોટના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. રાજકોટવાસીઓ માટે ગૌરવ સમાન એઇમ્સ હોસ્પિટલ, અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ફ્લાયઓવર બ્રિજ અને અદ્યતન રસ્તાઓ જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેમના જ સક્રિય પ્રયાસોથી રાજકોટને પ્રાપ્ત થયા છે. તેમના આ અમૂલ્ય યોગદાન અને ઋણને આજીવન સ્મૃતિ તરીકે અંકિત કરવાની લાગણી મેયર ડો. નેહલ શુક્લ સહિતના અગ્રણી નગરસેવકો અને પદાધિકારીઓએ જનરલ બોર્ડની બેઠકમાં આ અંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી કે, સ્વ. વિજયભાઇનું શહેરના વિકાસમાં જે યોગદાન છે, તેને નવી પેઢી હંમેશા યાદ રાખે તે માટે આ બ્રિજનું નામકરણ તેમના નામ પર કરવું એ સાચી શ્રદ્ધાંજલિ છે.