ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફિસના ક્લાર્ક સાથે રૂૂ. 3.88 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોસ્ટ ઓફીસના કર્મચારીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન કે લિંક ઓપન કર્યા વગર જ ઓટીપી અને ફોન પે ની લિંક્સ અજાણ્યા નંબરો પર આપોઆપ શેર થઈ જતાં સાયબર ઠગોએ બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. આ મામલે ગોંડલ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
ફરિયાદની વિગતો અનુસાર, મૂળ બોટાદના અને હાલ ગોંડલના મોહનનગરમાં રહેતા 43 વર્ષીય જીતેન્દ્રભાઈ હરજીભાઈ વાઘેલા ગોંડલ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગત તા. 5 ઓક્ટોબર 2026ના રોજ બપોરના સમયે તેઓ અમદાવાદના નેહરૂૂનગર બસ સ્ટેન્ડથી ગોંડલ આવવા નીકળ્યા હતા. એ દરમિયાન તેમના મોબાઈલ નંબર પર મોબીક્વીક, આધારકાર્ડ અને ફોન પેમાંથી અલગ-અલગ ઓટીપી આવવા લાગ્યા હતા.
જીતેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, તેમણે કોઈ લિંક ઓપન કરી નહોતી કે કોઈને ઓટીપી આપ્યો નહોતો. તેમ છતાં, મોબીક્વીકના ઓટીપી અને ફોન પે ની લિંક્સ અજાણ્યા સાયબર ઠગોના વિવિધ મોબાઈલ નંબરો પર આપોઆપ શેર થઈ ગયા હતા. શરૂૂઆતમાં બેંક ખાતામાંથી નાણાં ઉપડ્યા નહોતા, પરંતુ તા. 10 ઓક્ટોબર 2026ના રોજ જ્યારે જીતેન્દ્રભાઈ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે હતા ત્યારે તેમના કેનારા બેંકના ખાતામાંથી અચાનક રૂૂ. 3,58,083 ઉપડી ગયા હતા. ત્યારબાદ થોડી જ વારમાં રૂૂ. 10,000 ના ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થઈને કુલ રૂૂ. 3,88,083 ની રકમ ઉપડી ગઈ હતી. ગભરાઈ ગયેલા ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
સાયબર હેલ્પલાઈન પર અરજી કર્યા બાદ, ગઈકાલે તા. 16 ઓક્ટોબરના રોજ ગોંડલ બી-ડિવિઝન પોલીસે ફરિયાદીની રૂૂબરૂૂ પૂછપરછ કરી કાયદેસરની એફ.આઈ.આર. નોંધી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાયબર ફ્રોડમાં વપરાયેલા 10 થી વધુ શંકાસ્પદ મોબાઈલ નંબરના ધારકો અને બેંક એકાઉન્ટ ધારકો સામે તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે. આ મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.બી.ચૌહાણ ચલાવી રહ્યા છે.
