ગુજરાત

વૃધ્ધાને રઝળાવવાના બનાવ પર સિવિલ હોસ્પિટલના તબીબોનો ઢાકોઢૂંબો

Published

on

સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયેલ વૃધ્ધા પીએમ રૂમ પાસે કેવી રીતે પહોંચી ગયા?

હેલ્પ ડેસ્ક ટીમની મહેનત પર પાણી ફેરવી દેતા તબીબો

હવે તપાસ સમિતિનું નર્યુ નાટક રચતા તબીબી અધિક્ષક

શહેરની સિવિલ હોસ્પીટલમાં વધુ એક કામચોર તબીબોની નાલાયકી બહાર આવી છે. સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયેલ વૃધ્ધાને પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં છોડી દઇને માનવતાની ગરીમા લજવનાર તબીબી સીસી કેમેરામાં દેખાયો હોવા છતાં આ ઘટનામાં તપાસ સમિતિ રચીને બનાવ પર ઢાંકોઢુંબો કરવા સિવિલના તબીબી અધિક્ષક, આરએમઓ સહીતના જવાબદાર તબીબોએ શરૂ કરેલા નર્યા નાટકનો પરદો પાડી જેવા જાગૃત માણસોમાં માંગ થઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલની ગંભીર બેદરકારીની ચોંકાવનારી વિગતો જોઇએ તો શહેરના ડાલીબેન છાત્રાલય નજીક રહેતા વર્ષાબેન ભાસ્કર નામના વૃધ્ધાને હાથમાં સડાની સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં સર્જીકલ વોર્ડમાં તા.5ના રોજ દાખલ કરાયા હતા.


અહીં સુધીની એટલે કે રાત્રીના 10 વાગ્યા સુધીમાં હેલ્પ ડેસ્કની ટીમે સેવા કરી હતી. બીજા દિવસે સવારે હેલ્પ ડેસ્કની ટીમે સર્જીકલ વોર્ડમાં તપાસ કરતા દર્દી વૃધ્ધા જોવા ન મળતા હેલ્પડેસ્કની ટીમ ધંધે લાગી હતી. દરમિયાન વૃધ્ધા સ્ટ્રેચર સાથે પીએમ રૂમ પાસેથી મળતા હેલ્પ ડેસ્કની ટીમને આશ્ચર્ય થયું હતું કે વર્ષાબેનને સર્જીકલ વોર્ડમાં દાખલ કર્યા હતા તો પીએમ રૂમ પાસે કેમ પહોંચ્યા? ઉંડી તપાસ દરમિયાન એવી વિગતો સંભળાઇ હતી કે વૃધ્ધાની સારવાર ન કરવી પડે એટલે તા.5ના રોજ સર્જીકલ વોર્ડમાં ફરજ પરના હરામખાયા કામચોર તબીબે વૃધ્ધાને સ્ટેચર સાથે પીએમ રૂમ પાસે મોકલી દિધા હતા.


આ વાતને સમર્થન ત્યારે મળ્યું કે સિવિલ હોસ્પીટલના આરએમઓએ આબરૂ બચાવવા એવી વિગતો જાહેર કરી હતી કે સીસી કેમેરા તપાસના એક રેસીડેન્ટ તબીબ વૃધ્ધાને સ્ટ્રેચરમાં મુકી લઇ જતો દેખાયો હતો.


આમ છતાં માનવતાને નેવે ચડાવવા, દર્દીઓને હેરાન કરવા મસમોટા પગાર ઓછા કામે મેળવવા મથતા કામચોર તબીબને જાહેર કરવાને બદલે એક ડોકટરની કેસેટ વગાડી નધણિયાત સિવિલ હોસ્પીટલમાં તબીબી અધિક્ષકે આ બનાવમાં તપાસ કમીટીનું જે નાટક રચ્યુ તેમાં પાષાણ હૃદયનો માનવી પણ ફફડી ઉઠે તેમ છે.


ત્યારે આ વાતમાં કસુરવાર તબીબને તાત્કાલીક ઘરભેગો કરી સિવિલ હોસ્પીટલના તમામ ઉચ્ચ તબીબી અધિકારીઓના નાક કપાતા બચાવવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version