Site icon Gujarat Mirror

સુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!

સુરત પોલીસે લૂટેરી દુલ્હનને પકડી, દલાલને સકંજામાં લેવા તજવીજ

સુરતના લસકાણા વિસ્તારમાં લગ્નના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરતી એક લુટેરી દુલ્હનનો જસદણમાંથી પર્દાફાશ થયો છે. લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી સોનલ ચૌહાણ નામની યુવતીની જસદણ ખાતેથી ધરપકડ કરી હતી. આ ઘટનામાં સોશિયલ મીડિયા પર મુકાયેલા લગ્નના ફોટા ગુનેગાર સુધી પહોંચવાનું મુખ્ય માધ્યમ બન્યા હતા. આરોપી યુવતી સોનલ ચૌહાણે ગત ઓક્ટોબર મહિનામાં લસકાણા ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન માટે વચેટિયા કમલેશ કમાણી દ્વારા રૂૂ. 1.70 લાખ વસૂલવામાં આવ્યા હતા. લગ્ન બાદ થોડા દિવસોમાં સોનલ રાજકોટમાં સંબંધીને મળવા જવાનું કહીને પિયર જતી રહી હતી અને ત્યારબાદ ગુમ થઈ ગઈ હતી. સુરતથી ભાગ્યા બાદ સોનલે ફરીવાર દલાલ મારફતે જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ વખતે પણ દલાલની મદદથી રૂૂ. 1.80 લાખ ખંખેર્યા હતા. જસદણના બીજા પતિએ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને ભાંડો ફૂટ્યો હતો.

સોશિયલ મીડિયામાં મુકાયેલા આ ફોટા જ્યારે લસકાણામાં રહેતા પ્રથમ પતિની નજરે ચડ્યા ત્યારે તેને આંચકો લાગ્યો હતો. પોતાની પત્ની જસદણના અન્ય યુવક સાથે પત્ની તરીકે રહેતી હોવાનું સામે આવતા તેણે તાત્કાલિક લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે લસકાણા પોલીસે લોકેશન ટ્રેસ કરી જસદણમાં દરોડો પાડ્યો હતો અને આરોપી યુવતી સોનલ ચૌહાણની ધરપકડ કરી સુરત લઈ જવાઇ હતી.

Exit mobile version