રાષ્ટ્રીય

કાશ્મીરમાં છ મજૂરો અને ડોકટરની હત્યા કરતા આતંકીઓ

Published

on

જમ્મુ-કાશ્મીરમાં ધારાસભાની ચુંટણી સફળતાથી પુર્ણ થતા આતંકવાદી જુથો રઘવાયા થયા હોય તેમ હવે શ્રમિકોને પણ નિશાન બનાવવા લાગ્યા છે. ખાસ કરીને બહારના રાજયોમાંથી આવતા શ્રમિકોને વધુ ટારગેટ કરાઇ રહ્યા છે. ગઇકાલે મોડી સાંજે આવી જ એક ઘટનામાં હરામખોરોએ આડેધડ ગોળીબાર કરીને છ નિર્દોષ મજુરો તથા એક ડોકટરની હત્યા કરી નાખતા કાશ્મીરમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. વળતા હુમલામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યાની માહીતી મળી રહી છે. મોટા પ્રમાણમાં હથીયારો અને દારૂગોળાની જથ્થો પણ મળી આવ્યો છે.


જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ લોકો બહારના છે, જેમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હુમલામાં એક ડોક્ટરનું પણ મોત થયું છે અને પાંચ લોકોને ઈજા થઈ છે. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું. હાલ ઘટનાસ્થળે સુરક્ષા દળો સહિત પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને આતંકવાદીઓને પકડવા માટે આખા વિસ્તારને ઘેરી લેવાયો છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતનાઓએ આ હુમલાની નિંદા કરી છે.


પ્રારંભિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા છે. હાલ સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડી પાડવા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ઘટના અંગે કહ્યું કે, હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.


જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફાયરિંગની ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, નસોનમર્ગ વિસ્તારના ગગનીરમાં પ્રવાસી શ્રમિકો પર કાયરતાપૂર્વક હુમલાની દુ:ખદ ઘટના બની છે. આ શ્રમિકો વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. હું આ નિ:શસ્ત્ર નિર્દોષ લોકો પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.


આતંકી હુમલામાં ઈજા થયેલા શ્રમિકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્તોમાંથી પંજાબના રહેવાસી ગુરમીત સિંહનું મોત થયું છે. આ ઉપરાંત બિહારના એક અને ત્રણ સ્થાનિકના પણ મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ આતંકવાદીઓએ શ્રમિકો પર હુમલો કર્યો હતો, જેમાં બિહારના એક શ્રમિકની કથિત હત્યા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસી શ્રમિકો પર હુમલાની ઘટનાએ ચિંતા વધારી દીધી છે. એપ્રિલ મહિનામાં પણ બે પ્રવાસી શ્રમિકોની હત્યા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version