ગુજરાત
લખતરના ધણાદ ગામે ‘ખોટા મોબાઈલ નંબર કેમ આપ્યા’, કહી ખેતમજૂર પર ફાયરિંગ
લખતર તાલુકાના ઘણાદ ગામના સીમ ખેતરમાં છોટાઉદેપુર જિલ્લાનો પરિવાર ખેતમજુરી કરે છે. ગત તા. 31મીએ રાત્રે મોબાઈલ નંબર ખોટો આપવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે ખેતમજુર પર ફાયરીંગ કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.
મુળ છોટાઉદેપુર જિલ્લાના જામલી ગામના ચકાભાઈ થાવરીયાભાઈ નાકીયા અઢી વર્ષથી ઘણાદ ગામની સીમમાં વશરામભાઈ ભરવાડનું ખેતર મજુરી ભાગે વાવવા રાખે છે.તેમની બાજુનું ખેતર તેમનો ભાઈ રતીલાલ ખેડવા રાખે છે. અને બન્ને પરીવાર સાથે ખેતરમાં જ રહે છે. ગત તા. 31મીએ સહિતનાઓ ધ્રાંગધ્રા હટાણુ કરવા બે બાઈકમાં ગયા હતા. જેમાં વિઠ્ઠલ અને ચકો એક બાઈક પર તથા જીગો અને રતીલાલ બીજા બાઈક પર હતા. આ સમયે રતીલાલનો ફોન ચકાભાઈ પાસે હતો અને તેમાં મહાવીરસીંહ પ્રદ્યુમનસીંહ ઝાલાએ ફોન કરતા ચકાભાઈએ રતીલાલ જીગાના બાઈક પર હોવાનું કહેતા મહાવીરસીંહે જીગાનો નંબર માંગ્યો હતો.
આ ફોન ન લાગતા થોડીવાર પછી ફોન કરી મહાવીરસીંહે ખોટો નંબર કેમ આપેશ, તારા ઝુંપડા પાસે આવ તેમ કહી ફોન મુકયો હતો. ચકાભાઈ અને વિઠ્ઠલ એક બાઈક પર હોઈ ઝુંપડા પાસે પહોંચતા ઘણાદના મહાવીરસીંહ ઝાલા અને રસીકભાઈ રઘુભાઈ ઉભા હતા અને મહાવીરસીંહે અપશબ્દો કહી, ઉશ્કેરાઈ જઈ પેન્ટના નેફામાંથી તમંચા જેવુ હથીયાર કાઢી ફાયરીંગ કરતા ચકાભાઈને વાંસાના ભાગે ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા છે. બનાવની એટ્રોસીટી, ખુનની કોશીષની કલમો સાથે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાતા જ પોલીસ ટીમે બન્ને આરોપીને ઝડપી લીધા હતા.