શાપર-વેરાવળમાં જમાદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ

છ માસ પૂર્વે પોલીસ મથકે કેસ સંદર્ભે આવેલી મહિલા સાથે પરિચય થતા લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક…

છ માસ પૂર્વે પોલીસ મથકે કેસ સંદર્ભે આવેલી મહિલા સાથે પરિચય થતા લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક જમાદારે ત્યકતાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાઈ છે. છ માસ પૂર્વે કોઈ કેસ બાબતે પોલીસ મથકે આવતા તેનો પરિચય જમાદાર સાથે થયા બાદ પોલીસ જમાદારે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

મળતી વિગતો મુજબ શાપર પોલીસ મથકના જમાદાર હાર્દિક કેરાણિયા સામે એક મહિલાએ લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યાની ગંભીર ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. આ ચોંકાવનારી ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક ધોરણે આગળની તપાસ હાથ ધરી છે. આરોપી જમાદાર હાર્દિક કેરાણિયા મૂળ જસદણના માધવીપુર ગામનો વતની છે અને તેના અગાઉ છૂટાછેડા થઈ ગયા છે. બીજી બાજુ, આ કેસમાં ફરિયાદ નોંધાવનાર મહિલાના પણ અગાઉ છૂટાછેડા થઈ ચૂકેલા છે. કોઈક કેસના સિલસિલા કેસ સંદર્ભે અંદાજે છ મહિના પહેલાં પોલીસ મથકે આવ્યા બાદ બંને વચ્ચે પરસ્પર પરિચય થયો હતો. આ પરિચય સમય જતાં ગાઢ બન્યો હતો, જેનો ફાયદો ઉઠાવીને આરોપી જમાદારે ભોગ બનનાર મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્નની આ જાળમાં ફસાવીને આરોપીએ અવાર-નવાર જુદા-જુદા સ્થળો પર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આરોપી જમાદાર હાર્દિક કેરાણિયા દ્વારા લાંબા સમય સુધી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે આરોપીએ સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. લગ્નજીવનનું આશ્વાસન આપીને છેંતરવામાં આવ્યા હોવાનું જણાતા આખરે ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવીને સમગ્ર મામલો પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આજે આરોપી જમાદાર હાર્દિક કેરાણિયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

પ્રાથમિક તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર, આરોપી જમાદારે પીડિત મહિલા સાથે માત્ર કોઈ એક જગ્યાએ નહીં, પરંતુ અલગ-અલગ સ્થળો ઉપરાંત પોતાની અંગત કાર માં પણ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એક જવાબદાર પોલીસ કર્મચારી દ્વારા જ કાયદાની વિરુદ્ધ જઈને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતા સમગ્ર પોલીસ વિભાગમાં પણ આશ્ચર્ય અને ચકચાર ફેલાઈ ગઈ છે. આ કેસમાં આરોપી પોલીસ વિભાગનો જ કર્મચારી હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ થાય તે હેતુસર આ ગંભીર કેસની તપાસ શાપર પોલીસ મથકને બદલે ડીવાયએસપી ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. ઉચ્ચ અધિકારી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.