જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થનારી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વીજપોલ નાખવાની કામગીરીનો વાવડી ગામના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવી સ્થળ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થિતિ વણસતી જોઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વિરોધ કરી રહેલા ખેડૂતો અને ગ્રામજનોની અટકાયત શરૂૂ કરી હતી. વાવડી ગામના ખેડૂતો પર પોલીસ કાર્યવાહી થયાના સમાચાર પ્રસરી જતા જોડિયા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો વાવડીના સમર્થનમાં પહોંચ્યા હતા.
લીંબુડા, કુનડ, કેસિયા અને ભાદરા સહિતના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વાવડી ખાતે એકત્ર થયા હતા અને વીજપોલ ઊભા કરવાની કામગીરી બંધ કરાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા 75થી વધુ ખેડૂતોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. અટકાયત કરાયેલા ખેડૂતોને જોડિયા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યારે કેટલાક ખેડૂતોને ધ્રોલ પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા છે. જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
હાલ વાવડી ગામમાં સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતો પોતાની જમીન અને ખેતીના રક્ષણ માટે વીજલાઈનના થાંભલા સામે વિરોધ પર મક્કમ છે, તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કાલાવડ પંથકમાં વરસાદની અછતથી પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતોનું આવેદન
કાલાવડ પંથકમાં વરસાદની અછતને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે વિવિધ ગામોના સરપંચો તથા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, ચાલુ ચોમાસાની સિઝનમાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ખેતીના પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી. જેના કારણે પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. સરપંચો અને ખેડૂતોએ સમગ્ર મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને રાહત મળે તેવી માંગણી કરી હતી. વરસાદની અછતના કારણે ઉભા પાકની સ્થિતિ અંગે તંત્ર દ્વારા સર્વે કરાવી જરૂૂરી સહાય અને રાહત આપવા પણ માંગ કરવામાં આવી હતી.
