ગુજરાત
ગાયોનાં મોતના જવાબદારો સામે પગલાં લઈ જેલ ભેગા કરો: આપ
મહાનગરપાલિકાના ઢોરડબામાં ગાયોના મોત મામલે શહેરભરમાં આક્રોશ વ્યાપ્યો છે. આ મુદ્દે અનેક સંસ્થાઓએ વિરોધ પ્રદર્શન કર્યા છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગાયોના મોતના જવાબદારો સામે કડક પગલા ભરી જેલભેગા કરવા મુદ્દે કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવી જણાવેલ કે, રાજકોટ મહાનગર પાલિકાના ઢોર ડબ્બામાં છેલ્લા ત્રણ માસમા ઘાંસચારા, પાણી, ગંદકી અને સારવારના અભાવે 756 ગાયોના મોત થયા છે આ મોત પાછળ જીવ દયા ટ્રસ્ટના જવાબદાર રાજેન્દ્ર શાહ તેના પુત્ર યશ શાહ તથા મુખ્ય વેટરનીટી ઓફિસર ભાવેશ ઝાકાસણીયા પર તાત્કાલીક ધોરણે કડકમાં કડક પગલાં ભરી જેલ ભેગા કરવામાં આવે તથા અન્ય કર્મચારીઓની પણ તપાસ કરી ને જવાબદારો સામે યોગ્ય પગલા ભરવામાં આવે એવી અમારી માંગ છે.
આ એક મોટું કૌભાંડ છે જેમાં જીવ દયા ઘરના રાજેન્દ્રશાહ તથા તેના પુત્ર યશ શાહ તથા ભાવેશ ઝાકાસણીયાની મીલી ભગત છે. જેને ઢોર ડબ્બાનો કોન્ટ્રકટ અપાયો છે તે જીવ દયા ટ્રસ્ટ નામની એજન્સી એ પશુઓની યોગ્ય સંભાળ ના કરવાથી તથા જરૂૂરીયાત મુજબ કોઈ તબીબ રાખ્યા જ નથી તેના અભાવે મોત થયા છે આ ઉપરાંત ઢોર ડબ્બામાં ક્ષમતા પણ વધારે પશુ હોવા છતાં જીવ દયા ઘરના રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર યશ શાહે ગેરકાયદેસર રીતે 120 ખાનગી ઢોર પોતાના ત્યાં રાખ્યા હતા. આ ઢોર અને ઢોર ડબ્બાને પોતાની માલિકીની ગૌશાળા બનાવને રાજય સરકાર પાસેથી ગ્રાન્ટ ખાધી છે તેમજ દેશ વિદેશમાંથી દાનપૂર્ણ પણ મેળવ્યુ છે એટલુ જ નહી આજીડેમ મનપાના પક્ષી ઘરમાં મકરસંક્રાતીએ પક્ષી સારવાર કેમ્પ રાખવાનું કહી આખા પક્ષી ઘર પર જ ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. રાજકારણીઓના સહયોગથી નામ વટાવીને તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડ સહિતની સંસ્થાઓના નામે અધિકારીઓને દબાવી રાજેન્દુશાહ અને જય શાહે પોતાની મનમાની કરી છે.
આથી અમો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જવાબદારો સામે યોગ્ય પગલા ભરવામાં અઆવે જો યોગ્ય પગલા નહી ભરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તે આપ સાહેબને વિદીત થાય.