એસ.ટી. ચાલક પર હુમલો કરનારને જામીન મળ્યા બાદ પણ પોલીસે લમધાર્યાનો આક્ષેપ

જામનગરમાં એસ.ટી. બસ ચાલક પર હુમલો કરી ફરજમાં રૂૂકાવટ સર્જવાના કેસમાં સંડોવાયેલા ત્રણ યુવાનોને જામીન પર મુક્ત કર્યા બાદ ફરીથી શહેર ડીવાયએસપી કચેરીએ બોલાવી પોલીસ…

જામનગરમાં એસ.ટી. બસ ચાલક પર હુમલો કરી ફરજમાં રૂૂકાવટ સર્જવાના કેસમાં સંડોવાયેલા ત્રણ યુવાનોને જામીન પર મુક્ત કર્યા બાદ ફરીથી શહેર ડીવાયએસપી કચેરીએ બોલાવી પોલીસ દ્વારા મારકૂટ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતાં ચર્ચા છે. ત્રણેય યુવાનો ઇજાગ્રત હાલતમાં સારવાર માટે પહોંચ્યા છે, જેમાં એક યુવાને ઝેરી દવા પી લીધી હોવાનો પણ પરિવારજનોએ દાવો કર્યો છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ દિગજામ સર્કલ નજીક આવેલા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસના ચાલક પર હુમલો કરવાના કેસમાં રાહુલ ચાવડા, દીપક ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ સોઢા સહિતના યુવાનો સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓનો દાવો છે કે પોલીસ દ્વારા અટકાયત પછી જામીન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ફરીથી પોલીસ દ્વારા શહેર ડીવાયએસપી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.

યુવાનો અને તેમના પરિવારજનોના આક્ષેપ મુજબ, ડીવાયએસપી કચેરીએ પહોંચ્યા બાદ પોલીસ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. જેમાં એક યુવાનની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું અને અન્ય એક યુવાનના શરીર પર મારના નિશાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પોલીસના ડર અને ત્રાસના કારણે ધર્મેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ સોઢાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બે યુવાનો પણ સારવાર લેવા પહોંચ્યા હોવાનું જણાવાયું છે. આ ઘટનાને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે.