ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજાનો આક્ષેપ, લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ…

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરતી ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે. પોલીસે પિતા પુત્ર સહિત ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદી વિશ્વાસભાઈ યોગેશકુમાર મહેતા, ટ્રસ્ટી, જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટ, ધ્રોલ દ્વારા આપવામાં આવેલી રજૂઆત મુજબ ધ્રોલ ગામમાં પંચવટી સોસાયટી સામે આવેલી ટ્રસ્ટની સીટી સર્વે નં. 3865 ધરાવતી કુલ 4731.93 ચોરસ મીટર જમીન ટ્રસ્ટની માલિકીની છે. સંયુક્ત ચેરિટી કમિશનર, રાજકોટ દ્વારા ટ્રસ્ટના સંચાલન માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે, અને ટ્રસ્ટની મિલકત પર થયેલા કબ્જા મામલે કાયદાકીય કાર્યવાહી માટે સત્તાધિકૃત પ્રતિનિધિઓની નિમણૂક પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ વર્ષ 1983માં લાલજીભાઈ કારાભાઈ પઢીયારને ટ્રસ્ટની મિલકતમાં ચોકીદાર તરીકે રાખવામાં આવ્યા હતા અને ફરજ બજાવવા માટે એક ઓરડી ઉપયોગ માટે આપવામાં આવી હતી. જોકે બાદમાં તેમણે તે ઓરડી પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો અને વારંવાર કહેવા છતાં જગ્યા ખાલી કરી નહોતી.

આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોમાં લાલજીભાઈ પઢીયાર તથા તેમના પરિવારજનો ગોવિંદભાઈ લાલજીભાઈ પઢીયાર અને કાનજીભાઈ લાલજીભાઈ પઢીયારે મળીને આશરે 5000 થી 7000 ચોરસ ફૂટ વિસ્તારમાં નવા બાંધકામો ઊભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં પાંચથી સાત રૂમ, બેઠક વ્યવસ્થા તેમજ ફળઝાડનું વાવેતર સહિતનો વિકાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ બાંધકામ ટ્રસ્ટની મંજૂરી તેમજ સ્થાનિક સત્તાધિકારીઓની જરૂરી પરવાનગી વિના કરવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ પાસે મિલકત અંગે કોઈ માલિકી હક, દસ્તાવેજી આધાર કે કાયદેસર અધિકાર નથી છતાં તેઓ લાંબા સમયથી કબજો ભોગવી રહ્યા છે.

તેમજ ટ્રસ્ટ અને જૈન સમાજના આગેવાનો સામે વિવિધ પોલીસ મથકો અને સરકારી કચેરીઓમાં ખોટી ફરિયાદો કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદી મુજબ મિલકત ખાલી કરાવવા અથવા કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્ન કરનાર વ્યક્તિઓને ખોટા એટ્રોસિટી કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આશરે રૂ. 2 કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદે રીતે પચાવી પાડી તેનો ઉપયોગ અને કબજો ચાલુ રાખવામાં આવ્યો છે. જેના કારણે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર ત્રણેય સામે ધ્રોળ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.