કોઇ પણ વ્યકિતને સુધારવાની કોશિષ કરનાર જ તેનો દુશ્મન બની જાય છે. તે પંકિતને સાર્થક કરતી અને પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતી ઘટના સામે આવે છે. જેમાં રાજકોટમાં આહિર ચોક પાસે આવેલા નહેરૂનગરમાં ચોરી ચપાટી કરતા વૃધ્ધ પિતાને સુધારવાની કોશિષ કરતા પુત્ર સાથે બગડેલ બાપે ઝઘડો કરી હથોડાના ઘા ઝીંકી હત્યા કરી હતી. પુત્રના જન્મદિવસના આગલા દિવસે જ પિતાએ મોતને ઘાટ ઉતારતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પુત્રની હત્યા કરી પિતા સામે ચાલીને પોલીસમાં સરન્ડર થઇ ગયો હતો. પોલીસે પુત્રના હત્યારા શખ્સના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આહિર ચોક પાસે આવેલ ન્યુ નહેરૂનગર શેરી નં.7માં રહેતા રામ બાબુભાઇ સવસેટા નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે તેના પિતા બાબુભાઇ રઘાભાઇ સવસેટા (ઉ.વ.65)એ ઝઘડો કરી હથોડાના ઘા ઝીંકી મોતની ઘાટ ઉતાર્યો હતો. પુત્રની હત્યા કરી હત્યારો બાબુ સવસેટા ભક્તિનગર પોલીસ મથકમાં સરન્ડર થયો હતો અને પોલીસ સમક્ષ મે પુત્રને હથોડાના ઘા ઝીંકી દીધા હોવાની કબુલાત આપતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા રામ સવસેટાનું લોહીમાં ખદબદતો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાની ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાગળો કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે મૃતક રામ સવસેટાની માતા હંસાબેન બાબુભાઇ સવસેટાએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હત્યાનો ભગો બનનાર રામ સવસેટા તેના માતા-પિતાનો એકલોતો પુત્ર હતો અને તેને ત્રણ બહેનો છે. સૌથી મોટી બહેન મીરાબેન પડધરીના થોરીયાળી, નાની પુત્રી ક્રિષ્નાબેન મોરબી રોડ પર ખોડિયાર પાર્કમાં અને ત્રીજી પુત્રી રાધાબેન મોરબી રોડ પર સીલ્વર પાર્કમાં રહેે છે. રાધાબેને તેનો પતિ મુકીને જતો રહ્યો છે. અઢી મહિના પહેલા જ રાધાબેનનો પગ ભાંગી જતા ઓપરેશન કરાવી પગમાં સળીયો નખાવ્યો પડ્યો હતો. જેથી માતા હંસાબેન એકાદ મહિનાથી પુત્રી રાધાબેનના ઘરે રહેવા ગયા હતા.
જેના કારણે નહેરૂનગરમાં તેના પતિ બાબુ સવસેટા અને પુત્ર રામ સવસેટા બંન્ને રહેતા હતા. પતિ બાબુ સવસેટા સાવ હલકટ અને વ્યભીચારી છે. અવાર નવાર ચોરી ચપાટી કરતો હતો. પતિ બાબુ સવસેટાને સુધરી જવા માટે પુત્ર રામ સવસેટા અવાર નવાર સમજાવતો હતો. જેના કારણે પિતા-પુત્ર વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા અને બાબુ સવસેટા સુધવાના બદલે હુ મારા બાપનું માન્યો નથી તો પછી મારા છોકરાનુ શુ માનુ તેમ કહી પુત્ર રામ સવસેટા સાથે ઝઘડા કરતો હતો. ગઇકાલે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતા બાબુ સવસેટાએ પુત્ર રામ સવસેટાને માથાના ભાગે પાંચેક હથોડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે મૃતક રામ સવસેટાની માતાની ફરિયાદના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.
જન્મદિવસના આગલા દિવસે જ પિતા બન્યો જમ
ન્યુ નહેરૂનગરમાં ચોરી ચપાટી કરતા વૃધ્ધ પિતાને સુધારવાની કોશિષ કરતા પુત્ર સાથે પિતા અવાર નવાર ઝઘડા કરી પુત્રને માર મારવા હથિયારો ભેગા કરતો હતો. જન્મદિવસના આગલા દિવસે જ રામ સવસેટા સાથે પિતા બાબુ સવસેટાએ ઝઘડો કરી હથોડાના ઘા ઝીંકી ખુની ખેલ ખેલ્યો હતો. જન્મદિવસના આગલા દિવસે જ પિતા જમ બન્યો હોય તેમ પુત્રની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પુત્ર જન્મદિવસની ઉજવણી કરે તે પહેલા જ પિતાના હાથે મોતના મુખમાં ધકેલાતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
રક્ષાબંધન પૂર્વે જ ત્રણ બહેનોએ રાખડીનો બાંધનાર એકનો એક ભાઇ ગુમાવ્યો
પિતા-પુત્રના સંબધને કલંકીત કરતી ઘટનામાં પિતાએ જ પુત્રને હથોડાના ઘા ઝીંકી હત્યા કર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક રામ સવસેટા ત્રણ બહેનોનો એકનો એક ભાઇ અને અપરિણીત હતો. રક્ષાબંધનના તહેવાર પૂર્વે જ પિતાએ એકના એક પુત્રને મોતને ઘાટ ઉતારતા ત્રણ બહેનોએ રાખડીનો બાંધનાર એકનો એક ભાઇ ગુમાવતા કલ્પાંત સર્જાયો છે.
પુત્રને મારવા પિતાએ ઘરમાં હથિયારો ભેગા કર્યા’તા
ન્યુ નહેરૂનગરમાં સુધારવાની કોશિષ કરતા પુત્રને બગડેલ બાપે હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે અંગે મૃતક યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ફરિયાદી હંસાબેને જણાવ્યું હતું કે, હત્યારો પતિ બાબુ સવસેટા ચોરી ચપાટી કરતો હતો. જેના કારણે પુત્ર રામ સવસેટા અવાર નવાર સમજાવતો હતો. જે અંગે બાબુ સવસેટાને સારુ નહીં લાગતા પુત્રને માર મારવા લોખંડના પાઇપ, કુહાડા અને હથોડા જેવા હથિયારો મકાનમાં ભેગા કર્યા હતા. જે હથિયારો હંસાબેન સંતાડી દેતા હોવાનું જાણવા મળ્યુ છે.
