જામનગરમાં બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની દુર્ઘટના: 3 કારને નુકસાન

જામનગર શહેરમાં આજે ગુરુવારે વૃક્ષ ધરાશાયી થવાની બે અલગ-અલગ ઘટના બની હતી. નવા સર્કિટ હાઉસ સામે ટ્રેઝરી કચેરી પાસે પાર્ક કરાયેલી જી.એસ.ટી. અધિકારી રવિરાજસિંહ જાડેજાની…

જામનગર શહેરમાં આજે ગુરુવારે વૃક્ષ ધરાશાયી થવાની બે અલગ-અલગ ઘટના બની હતી. નવા સર્કિટ હાઉસ સામે ટ્રેઝરી કચેરી પાસે પાર્ક કરાયેલી જી.એસ.ટી. અધિકારી રવિરાજસિંહ જાડેજાની કિયા સેલ્ટોસ કાર પર અચાનક ઝાડની વિશાળ ડાળી તૂટી પડતાં કારને નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં જયદીપસિંહ નામના વ્યક્તિનો ફોન મળતાં તાત્કાલિક ફાયર શાખા ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કરવતની મદદથી ઝાડની ડાળીઓ કાપીને કારને બહાર કાઢી હતી.

સદનસીબે ઘટના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. કારનો નંબર જીજે-36-એએલ-4500 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જામનગરના હિંગળાજ ચોક નજીક આવેલી આશાપુરા સોસાયટીના કોમન પ્લોટમાં પણ આજે અચાનક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે વૃક્ષ કોમન પ્લોટમાં પડ્યું હોવાથી કોઈ વ્યક્તિને ઇજા થઈ નહોતી.

બનાવની જાણ થતાં સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. બંને ઘટનાઓમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વૃક્ષની ડાળીઓ પડવાથી બે (કાર) વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખાની ટુકડીએ સ્થળ પર પહોંચી જઈ કરવતની મદદથી ઝાડની ડાળીઓ દૂર કરી હતી.