Site icon Gujarat Mirror

રાજકોટમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત

યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલા શિવાજીનગર ચોકમાં રહેતા યુવકને પિતાએ કામ ધંધો કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો જે ઠપકાથી માઠું લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ વિસ્તારમાં આવેલા શિવાજીનગર ચોકમાં રહેતા કિશન મોહનભાઈ ઓળકીયા નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સમયે દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં કિશન ઓળકીયા ચાર ભાઈમાં વચ્ચેટ અને અપરિણીત હતો. કિશન ઓળકીયાને કામ ધંધો કરવા મુદ્દે પિતા મોહનભાઈ ઓળકિયાએ ઠપકો આપ્યો હતો જે ઠપકાથી માઠું લાગી આવતા આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version