Site icon Gujarat Mirror

ઈરાનમાં સત્તા પલટો? IRGCના કટ્ટરપંથીઓએ સંભાળ્યું સુકાન

કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી મુખ્ય નિર્ણયકર્તા, અમેરિકા સાથેની તમામ વાટાઘાટો મુલતવી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા ફરી એકવાર ઠગારી નિવડી છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના કાર્ગો જહાજ પર અમેરિકાએ કરેલા હુમલાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ હુમલા બાદ ઈરાનની અંદર કૂટનીતિક ટીમોને સાઈડલાઈન કરી દેવામાં આવી છે અને IRGCના (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) કટ્ટરપંથી કમાન્ડરોએ દેશના મહત્વના નિર્ણયો લેવાના શરૂૂ કરી દીધા છે.

ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, IRGCના કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના મુખ્ય નિર્ણયકર્તા બની ગયા છે. અત્યાર સુધી અમેરિકા સાથે નરમ વલણ અપનાવતા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કિનારે કરી દેવાયા છે. વાહિદી અને તેમની ટીમે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા સાથેની કોઈપણ શાંતિ વાટાઘાટો હાલમાં મુલતવી રાખવામાં આવી છે. અમેરિકી નૌકાબંધીના જવાબમાં સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ રહેશે. ઈરાની વાટાઘાટકાર ટીમને તેહરાન પાછી બોલાવી લેવામાં આવી છે.

નિષ્ણાતો માની રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય દબાણ વધારીને ઈરાનને મંત્રણાના ટેબલ પર લાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે પોતાના પગ પર કુહાડી મારવા જેવું સાબિત થયું છે. અમેરિકી હુમલાને કારણે ઈરાનના કટ્ટરપંથી નેતાઓને વધુ બળ મળ્યું છે, જેને પગલે હવે કોઈ પણ સમજૂતી થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.

વીકેન્ડ દરમિયાન ઈરાને હોર્મુઝના માર્ગે પસાર થતા ઓછામાં ઓછા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા.
જેના કારણે ફારસની ખાડીમાં સેંકડો જહાજો ફસાઈ ગયા છે. વિશ્વના તેલ વેપાર માટેનો આ સૌથી મહત્વનો માર્ગ બંધ થતા આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ છે.વોશિંગ્ટન સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) ના મતે, ઈરાનમાં જે રીતે સૈન્ય નેતૃત્વ હાવી થયું છે, તે જોતા મંગળવાર સુધી નક્કી કરવામાં આવેલો નાજુક યુદ્ધવિરામ આગળ વધશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુપ્રીમ લીડર મૌજતબા ખમેનેઈ પણ હાલમાં પડદા પાછળ રહીને IRGC ને સમર્થન આપી રહ્યા હોવાનું ચર્ચાય છે.

 

Exit mobile version