Uncategorized
દિવાળી પર્વ દરમિયાન ખંભાળિયા- દ્વારકા પંથકમાં કાળચક્ર ફરી વળ્યું: 6નાં થયા મૃત્યુ
વાડિનાર, ખંભાળિયા, દ્વારકા, ભાટિયા, રાજપરા, ભાણવડમાં બન્યા અપમૃત્યુના બનાવો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ ભાયા નામના 72 વર્ષના વૃદ્ધ તારીખ 28 મી ના રોજ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડીને જઈ રહ્યા હતા, ત્યારે અહીંના રેલવે સ્ટેશન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી નીકળતા તેઓ કોઈ કારણોસર રસ્તા ઉપર પટકાઈ ગયા હતા. જેથી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સબીરભાઈ કાસમભાઈ ભાયાએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળિયામાં શાંતિનિકેતન વાસ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ લખુભાઈ માંડવીયા નામના 45 વર્ષના યુવાનનું રવિવાર તા. 3 ના રોજ કોઈ કારણોસર મૃત્યુ
નિપજ્યું હોવાની જાણ તેમના મોટાભાઈ કિશોરભાઈ લખુભાઈ માંડવીયાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા રમીલાબેન ઉર્ફે રીન્કુબા કિશોરસિંહ જેઠવા નામના 30 વર્ષના મહિલાને ઉલટી ઉબકા ઉપડ્યા બાદ છાતીમાં ગભરામણ થતાં તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રણજીતસિંહ બહાદુરસિંહ જેઠવાએ ભાણવડ પોલીસને કરી છે.
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતા સતીશકુમાર રમેશચંદ્ર વ્યાસ નામના 50 વર્ષના એડવોકેટ આધેડ રવિવાર તારીખ 3 ના રોજ દ્વારકા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે સુદર્શન બ્રિજ પર આવેલા એક પિલર પાસે એકાએક તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પીયુષકુમાર રમેશચંદ્ર વ્યાસએ ઓખા મરીન પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા મૂળજીભાઈ માવાભાઈ ડાભી નામના 52 વર્ષના આધેડ ગત તારીખ 1 ના રોજ પોતાના નવા મકાનના ચાલી રહેલા કામની અગાસી પર હતા. ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેઓ અગાસી પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વિશાલભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા અરશીભાઈ ઓઘડભાઈ ગોરાણીયા નામના 45 વર્ષના યુવાન ઘરની અગાસી પરથી ગેલ્વેનાઈઝના પાઈપ નીચે ઉતારી રહ્યા હતા, ત્યારે પાઈપનો એક છેડો જીવંત વીજ લાઈનને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગી હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પત્ની લીલુબેન ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.