ક્રાઇમ

રાજકોટમાં તસ્કરનો તરખાટ, 8 મંદિરોમાં હાથફેરો

Published

on

ગોંડલ બાદ રાજકોટના કોઠારિયા રોડ ઉપર શાતેશ્ર્વર મહાદેવ મંદિરના પરિસરમાં આવેલા 8 મંદિરોની દાનપેટી સાફ કરી નાખી

રાજકોટમાં હવે દેવ સ્થળાનો પર સલામત રહ્યા નથી. રાજકોટમાં વધતા જતાં ચોરીના બનાવો રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર-6માં આવેલા શાતેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. એક જ રાતમાં મંદિર પરિસરમાં આવેલ અલગ અલગ 8 મંદિરોને નિશાન બનાવી તેની દાનપેટીમાંથી રોકડની ચોરી થયાનો બનાવ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયો છે. બે દિવસ પૂર્વે ગોંડલ આશાપુરા મંદિરમાં થયેલી ચોરીની ઘટના બાદ રાજકોટમાં આ બનાવ બન્યો હોય આ મંદિર ચોરીના બન્ને બનાવોમાં એક જ ટોળકીની સંડોવણીની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરામાં મંદિરમાં ચોરી કરનાર તસ્કર કેદ થઈ ગયો હોય જેનું પગેરૂ અને ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.


મળતી વિગતો મુજબ, રાજકોટનાં કોઠારીયા મેઈન રોડ પર મેઘાણીનગર શેરી નં.1માં રહેતા અને કોઠારીયા રોડ પર ગોવિંદનગર શેરી નં.6માં આવેલા શાતેશ્ર્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતાં લાભુભારતી દયાળભારતી ગૌસ્વામીએ આ બાબતે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. કોઠારીયા રોડ પર ગોવિંદનગર શેરી નં.6માં આવેલા શાતેશ્ર્વર મહાદેવ મંદિરમાં સ્થાપીત અલગ અલગ આઠ મંદિરમાં ચોરી થઈ હતી. જેમાં ગણપતિ દાદાનું મંદિર, હનુમાનજીનું મંદિર, કાલીકા માતાનું મંદિર સહિત આઠ મંદિરમાં દાનપેટીમાંથી આશરે 20 હજારની ચોરી થઈ હતી.


ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. 2 જુલાઈની રાત્રીનાં બે વાગ્યાથી રાત્રિનાં પાંચ વાગ્યા દરમિયાન આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.


શાતેશ્ર્વર મહાદેવ મંદિરની દિવાલ ટપી અંદર પ્રવેશેલા આ શખ્સે અલગ અલગ મંદિરોની દાન પેટી તોડી તેમાં રાખેલ રોકડ અંદાજે 20 હજાર ચોરી ગયો હતો. ભક્તિનગર પોલીસના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ મંદિર ખાતે દોડી ગયો હતો અને આ મામલે સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર તસ્કરનું પગેરૂ મેળવવા અને ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.

હનુમાન જયંતીના દિવસે પણ ચોરી થઈ હતી

કોઠારીયા રોડ પર ગોવિંદનગર શેરી નં.6માં આવેલા શાતેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હોય પોલીસ તપાસ અર્થે દોડી ગઈ હતી. ત્યારે ત્યાં સેવા પૂજા કરતાં લાભુભારતી ગૌસ્વામીએ જણાવ્યું કે ચાર મહિના પૂર્વે હનુમાન જયંતિના દિવસે પણ ચોરીનો બનાવ બન્યો હતો. હનુમાનજી મંદિરમાં તસ્કર ટોકરી તેમજ પરચુરણ ચોરી ગયો હતો. આ ચોરીના બનાવ બાદ બે દિવસ પૂર્વે આઠ મંદિરમાં ચોરીની ઘટના બની હોય ત્યારે સીસીટીવીમાં દેખાતો આ શખ્સ હનુમાન જયંતિના દિવસે પણ ચોરી કરી ગયો હોય અને જેની ફરિયાદ કરવામાં આવી ન હોય જેથી આ તસ્કરે ફરીથી આ મંદિરને નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version