રાજકોટ રોકાવા આવેલા વડિયાના વૃધ્ધના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.7.82 લાખની ચોરી

કોટડાસાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા એક વૃદ્ધ પરિવાર સાથે રાજકોટ રોકાવા ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડીને રૂૂ. 7.82…

કોટડાસાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા એક વૃદ્ધ પરિવાર સાથે રાજકોટ રોકાવા ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડીને રૂૂ. 7.82 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.

ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કોટડાસાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધ પ્રવીણસિંહ મંગળસિંહ જાડેજા ગત તા. 18 ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે રાજકોટ ખાતે રોકાવા માટે ગયા હતા. દરમિયાન તેમનું મકાન બંધ હતું. તા. 25 ઓગસ્ટની રાત્રે જ્યારે પ્રવીણસિંહ અને તેમનો પરિવાર પોતાના ઘરે વડિયા પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તાળું ગાયબ હતું.

ઘરમાં ચોરી થઈ હોવાની શંકા જતાં પરિવારે અંદર જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાં બે રૂૂમના દરવાજાના નકૂચા પણ તૂટેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ઘરની અંદર રાખેલા લોખંડના કબાટની તિજોરીને પણ તસ્કરોએ કોઈ સાધન વડે તોડી નાખી હતી અને અંદર રહેલી કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

તસ્કરોએ કબાટમાં રાખેલા લગ્ન વખતના આશરે 40 વર્ષ જૂના 12.5 તોલા સોનાના દાગીના, 900 ગ્રામ ચાંદીની વિવિધ વસ્તુઓ, આશરે એક હજાર જેટલા જૂના ચલણી સિક્કાઓ તેમજ રૂૂ. 3.58 હજાર (રૂૂ. 3,58,000) ની રોકડ રકમ મળીને કુલ રૂૂ. 7,82,000 ની મત્તા પર હાથફેરો કર્યો હતો. પરિવારે આ અંગે તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ચોરીનો ગુનો નોંધીને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો તથા ડોગ સ્ક્વોડની મદદથી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.