નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ

જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…

જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી અરુણભાઈ ભીમજીભાઈ વાધેલા (ઉં.વ. 41), રહે. ગણેશફળી વાલ્મીકીવાસ, જામનગરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2018 દરમિયાન તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાથી અને અગાઉ તેમના ઘરની આસપાસ ચોરીની ઘટના બનતા તેમના ભાઈ ધનજીભાઈ તથા ભાભી પ્રભાબેને સોનાના દાગીના પોતાના ઘરે સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. જેના આધારે ફરિયાદીએ તા. 1 સપ્ટેમ્બર, 2018ના રોજ દીકરીના આશરે આઠ તોલા જેટલા 22 કેરેટના સોનાના દાગીના, જેમાં ત્રણ તોલાનો હાર, ત્રણ તોલાની પાનભૂટી, એક તોલાની કાનસર અને અડધા તોલાની વીંટી સહિત હાલમાં અંદાજે પાંચ લાખ રૂૂપિયાની કિંમતના દાગીના ભાભીને સાચવવા આપ્યા હતા.

ફરિયાદ મુજબ બાદમાં અનેક વખત દાગીના પરત માંગવા છતાં આપવામાં આવ્યા નહોતા. વર્ષ 2023 દરમિયાન ભાભીએ દાગીના ચાંદી બજારમાં આવેલા એક જ્વેલર્સ પાસે હોવાની વાત કરી હતી. જોકે જ્વેલર્સે માત્ર એક હાર પોતાની પાસે હોવાનું અને બાકીના દાગીના પરત લઈ જવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ દાગીના પરત ન મળતાં પરિવાર દ્વારા સમાધાનના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024માં પરિવારના એક પ્રસંગ દરમિયાન ભાભીની દીકરી વિણાબેન ફરિયાદીની દીકરીના દાગીના પહેરેલી જોવા મળી હતી. આ અંગે પૂછતાં ભાભીએ તે દાગીના પોતાના હોવાનું જણાવ્યું હતું અને કોઈ ખરીદીનું બિલ પણ રજૂ કર્યું ન હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના દાગીના પોતાની દીકરીને આપી દેવામાં આવ્યા અને આજે સુધી પરત આપવામાં આવ્યા નથી.
લાંબા સમય સુધી પરિવારજનો મારફતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ફરિયાદીએ ભાભી પ્રભાબેન ધનજીભાઈ વાધેલા સામે વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.

મંડપ સર્વિસના મેનેજરે 1.85 લાખનો માલસામાનની બારોબાર વેંચી નાખ્યો
જામનગર શહેરના સીટી ’એ’ ડિવિઝન પોલીસ મથકે મંડપ સર્વિસના મેનેજર સામે વિશ્વાસઘાત અને ચોરી કરી મંડપનો માલસામાન વેચી નાખ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી સાગરભાઈ મોહનભાઈ શર્મા (ઉં.વ. 32), રહે. નાનકપુરી, રણજીત સાગર રોડ, જામનગર, મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, તેમણે ડિસેમ્બર 2025માં ભાવેશભાઈ હરવાણી પાસેથી આશરે રૂૂ. 3.50 લાખનો મંડપ સર્વિસનો માલસામાન ખરીદ્યો હતો, જે જોલી બંગલા નજીક આવેલા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. મંડપ સર્વિસનું સંચાલન અને ગોડાઉનમાં રહેલા માલસામાનની દેખરેખ માટે ફરિયાદીએ મહેશભાઈ જીવતભાઈ રાજાણી, રહે. સાધના કોલોની, જામનગરને મેનેજર તરીકે માસિક રૂૂ. 20,000ના પગારે રાખ્યા હતા.

દરમિયાન જાણકારી મળી હતી કે મહેશભાઈ રાજાણીએ પોતાના મિત્ર ભરતભાઈ પરમારને રૂૂપિયા ચૂકવવાના હોવાથી મંડપના કેટલાક ટેબલ આપી દીધા હતા. જેના આધારે ફરિયાદીએ ગોડાઉનની તપાસ કરતાં ત્યાંથી 35 ટેબલ, લોખંડની એન્ટ્રી ફ્રેમ, લાઇટ સ્ટેન્ડ, ચાર ઝુમ્મર, વરરાજાનો સોફો, સાઇડનું સફેદ કાપડ, ત્રણ લાકડાના સોફા સેટ સહિત અન્ય મંડપનો સામાન મળી કુલ રૂૂ. 1.85 લાખનો માલસામાન ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ, આ અંગે પૂછપરછ કરતાં મહેશભાઈ રાજાણી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને ગોળમટોળ જવાબો આપ્યા હતા. તેમણે નુકસાનની ભરપાઈ કરવાની ખાતરી આપી હોવા છતાં આજદિન સુધી રકમ ચૂકવી ન હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.