જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ રકમ અને રૂૂ. 70,000 કિંમતનો એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 71,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે માસ્ટર આઈ.ડી. પૂરી પાડનાર સહિત અન્ય આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુના મુજબ, સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ખોડીયાર કોલોની મેઈન રોડ પર શેલ પેટ્રોલ પંપ પાસે એક વ્યક્તિ હાલમાં ચાલી રહેલી ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ જોઈ મોબાઇલ મારફતે સેશન તથા મેચના હારજીતના સોદા કરાવી ક્રિકેટ સટ્ટો ચલાવી રહ્યો છે.
બાતમીના આધારે પંચોની હાજરીમાં દરોડો પાડતાં આરોપી અંકુર મનોજભાઈ પરમાર (ઉ.વ. 29, રહે. ખોડીયાર કોલોની, દ્વારકેશધામ એપાર્ટમેન્ટ, જામનગર) ઝડપાયો હતો. તેના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન પારકર-777 નામની માસ્ટર આઈ.ડી. મળી આવી હતી, જેમાં લાખો રૂૂપિયાનું બેલેન્સ દર્શાવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન આરોપીએ આ માસ્ટર આઈ.ડી.માંથી અલગ-અલગ ગ્રાહકોને જુગાર રમવા માટે આઈ.ડી. આપ્યાનું તેમજ અમદાવાદના અભિષેક રાજાણી, તેમજ તેનો એક મિત્ર અને વિશાલ ભારડદીયા સહિત અન્ય વ્યક્તિઓને જુદી જુદી મર્યાદાના બેલેન્સ સાથે આઈ.ડી. ફાળવ્યાનું કબૂલ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. મોબાઇલના સ્ટેટમેન્ટમાં ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ મેચ ઉપરાંત અન્ય ક્રિકેટ મેચોના સોદા થયાના પુરાવા પણ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

વધુ પૂછપરછમાં આરોપીએ પારકર નામની માસ્ટર આઈ.ડી. જામનગરના વિશાલ ભારદીયા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું છે. પોલીસે અંકુર પરમાર સામે ગુજરાત જાહેર જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માસ્ટર આઈ.ડી. પૂરી પાડનાર સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.