શહેરના ખોડિયારનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પૈડાના પંકચર બનાવી આપવાની દુકાનની આડમાં હેરોઇન વેચતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂૂા. 1,78,400નું હેરોઇન જપ્ત કરાયું હતું. શહેરના ખોડિયારનગરમાં ખોડિયાર માતાના મંદિર નજીક ટાયર પંકચરની દુકાન ચલાવતા મૂળ દહેગામ, રાધનપુર, પાટવાના ભરત રેવા દેવીપૂજક નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો.
આ શખ્સને સાથે રાખી એસ.ઓ.જી.એ દુકાનની તપાસ હાથ ધરી હતી. તેણે દુકાનમાં દ્વિચક્રીય વાહનોનાં પૈડાં લટકાવી રાખ્યા હતા, જેમાં તપાસ કરતાં એક પૈડાંમાંથી ઝીપવાળી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જે હેરોઇન હોવાનું પકડાયેલા શખ્સે કહ્યું હતું.
પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં પ્રાથમિક પૃથક્કરણના અંતે આ પદાર્થ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે પાલનપુરથી આ પદાર્થ ખરીદ્યો હતો અને ટ્રેનમાં બેસી અહીં લઇ આવ્યો હતો. પોતાની પાસે રહેલા પેન્સિલ સેલવાળા વજન કાંટાથી માદક પદાર્થનું વજન કરી ગ્રાહકોને છૂટકમાં વેચતો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 1,74,400નું 8.990 ગ્રામ હેરોઇન, વજન કાંટો, મોબાઇલ વગેરે રૂા. 1,83,900નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પાલનપુરના શખ્સને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના અશોક સોંધરા, વિરેન્દ્ર પુરોહિત, આશિક ભટ્ટ, હેમુભાઇ પઢેરિયા, ઇન્દ્રાબેન જોશી, સુનીલ માતંગ વગેરે જોડાયા હતા.

