મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે નિરીક્ષકો મારફતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 379 થી વધુ આગેવાનોએ સેન્સ આપી હતી.
મોરબી મહાનગરપાલિકા માટે વિવિધ પદો પર આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. જેમાં મેયર પદ માટે 5 લોકોએ દાવેદારી નોંધાવી છે. ડેપ્યુટી મેયર પદ માટે 6 લોકોએ દાવેદારી નોંધાવી છે. સ્ટેન્ડિંગ કમિટી માટે 4 થી 5 લોકોએ દાવેદારી નોંધાવી છે.
હળવદ, મોરબી, ટંકારા અને માળિયા તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી માટે સેન્સ લેવામાં આવી છે. આ ઉપરાંત, ટંકારા અને વાંકાનેર નગરપાલિકા માટે પણ સેન્સ લેવાઈ છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ઉપપ્રમુખ અને અન્ય પદો માટે પણ સભ્યોએ દાવેદારી કરી હતી. રોટેશન મુજબ બેઠકોની સ્થિતિ જોઇએ તો ટંકારા નગરપાલિકા: પ્રમુખ પદ ઘઇઈ માટે અનામત. વાંકાનેર નગરપાલિકા: પ્રમુખ પદ જઈ માટે અનામત. હળવદ અને મોરબી: પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી માટે. ટંકારા અને માળિયા તાલુકા પંચાયત: સામાન્ય બેઠક (પુરુષ/સામાન્ય માટે) છે.
સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે રુચિરભાઈ ભટ્ટ (ગાંધીનગર), નંદાજી ઠાકોર (પાટણ) અને જયશ્રીબેન દેસાઈ (પાટણ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના હોદ્દેદારો /પ્રમુખો અને વિવિધ મંડળના પ્રમુખોનો સમાવેશ થાય છે.
નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ એક સંકલન બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં સેન્સના આધારે નામોની એક પેનલ તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. ગાંધીનગર ખાતેથી પદાધિકારીઓના નામો અંગેની અંતિમ કાર્યવાહી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
