Site icon Gujarat Mirror

લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ: તંત્ર દ્વારા વહેલી કામગીરીનો આરંભ

સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તથા મનોરંજનનું મુખ્ય કેન્દ્ર એવા રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે પણ રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા વહેલી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

લોકમેળા સમિતિ દ્વારા મેળાના આયોજન માટે અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. સમિતિ દ્વારા વિવિધ ટેન્ડરોની પ્રક્રિયા અને ફોર્મ વિતરણની તૈયારીઓનો તબક્કો શરૂૂ કરી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેળાના સફળ આયોજન માટે વહીવટી સ્તરે તમામ પાસાઓ પર ગંભીરતાથી કામ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર કચેરીના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલેક્ટર દ્વારા લોકમેળા માટે એક સ્પેશિયલ મહેકમ (સ્ટાફ) ફાળવી દેવામાં આવ્યું છે. આ કામગીરી માટે સિટી પ્રાંત-2 ખાતે હાજર થવા માટે સંબંધિત કર્મચારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. હાલમાં આ કામગીરી માટે 4 થી 5 કર્મચારીઓનો ખાસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

લોકમેળામાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓ અને સ્ટોલ ધારકો માટે મહત્વના સમાચાર એ છે કે, આવતા અઠવાડિયા સુધીમાં લોકમેળાના ફોર્મ વિતરણની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવશે.

Exit mobile version