સિવિલ હોસ્પિ.ની સંવેદનાહીન ઘટનામાં સિક્યુરિટી સ્ટાફ બલીનો બકરો

તપાસ સમિતિએ તપાસ કરી, ખાનગી એજન્સીનાં સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટીમેનને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરી દેવાયા સારવારની સંવેદના નહીં દાખવનાર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને બચાવી લેવાયા સૌરાષ્ટ્રની…

તપાસ સમિતિએ તપાસ કરી, ખાનગી એજન્સીનાં સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટીમેનને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરી દેવાયા

સારવારની સંવેદના નહીં દાખવનાર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને બચાવી લેવાયા

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગત તા.3 જુલાઇને શુક્રવારના રોજ વહેલી સવારે ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલા દર્દીને સારવાર આપવાના બદલે અર્ધબેભાન હાલતમાં ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંક દેવાની અત્યંત શર્મશાર કરતી ઘટનામાં માત્ર કોન્ટ્રાકટ બેઇઝ બે સિકયુરીટીવાળાને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે સિવિલ હોસ્પીટલના સ્ટાફને બચાવી લેવામાં આવ્યો છે.
આ ધુણાસ્પદ ઘટના અંગે ‘ગુજરાત મિરરે’ સતસવીર અહેવાલ પ્રસિધ્ધ કરતા સિવિલ હોસ્પીટલના તંત્રની સંવેદના જાગી હતી અને તાબડતોબ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

આટલી મોટી ઘટના અંગે ભારે ઉહાપોહ થયા બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ગતા તા.03/07/2026ના ‘ગુજરાત મિરર’ ન્યુઝ પેપરમાં આવેલા અહેવાલ અન્વયે જવાબદાર દર્દી સહીતનાની પુછપરછ કરી યોગ્ય માહિતી મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
તપાસ સમિતિના અહેવાલ બાદ માત્ર ખાનગી સિકયુરીટી એજન્સીના સુપરવાઇઝર સુરેન્દ્રસિંહ ગોહિલ અને સિકયુરીટી મેન અરમાન પઠાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ સિવિલ હોસ્પીટલના એક પણ કાયમી કર્મચારીને જવાબદાર ઠેરવવામાં નહીં આવતા ભારે ચર્ચા જાગી છે.

સિવિલ હોસ્પીટલનાં જવાબદારોએ સિકયુરીટી એજન્સી ઉપર જવાબદારી ઢોળી તેના સ્ટાફને બચાવી લીધાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. આ ઘટનામાં ભોગ બનનાર એક ગરીબ શ્રમિક છે અને તેના કોઇ વાલી-વારસ પણ ન હોવાથી તપાસ સમિતિએ તપાસનું ફિંડલુ વાળી દીધાની ચર્ચા છે.