રાજકોટ કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં લાંબા સમયથી આધાર કાર્ડ માટેની કીટ ન હતી. લાંબા સમય બાદ હવે જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી શરૂૂ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં આ સેવા સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
જુલાઈ મહિનાના અંત સુધીમાં જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરીનો પ્રારંભ થશે. કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલેકટર દ્વારા આધાર કાર્ડ માટે નવી કીટ મંજૂર કરવામાં આવી છે. કામગીરીને ઝડપી બનાવવા માટે જિલ્લામાં 9 જેટલી કીટોને અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તાલુકા સ્તરે પણ આધાર કાર્ડની કામગીરીમાં વેગ આવશે.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આધાર કાર્ડમાં સુધારા-વધારા કે નવી નોંધણી માટે લોકોને લાંબા અંતર કાપવા પડતા હતા. હવે આ સુવિધા કલેકટર કચેરીમાં જ શરૂૂ થવાથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળશે.
નવી કીટો કાર્યરત થવાથી અને અપગ્રેડેશનને કારણે આધાર કાર્ડની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. ખાસ કરીને તાલુકાના વિસ્તારોમાં આ કીટોના ઉપયોગથી કામગીરીમાં આવતી રૂૂકાવટ દૂર થશે અને આધાર કાર્ડ સંબંધિત કામો સમયસર પૂર્ણ થઈ શકશે.
