રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાની સપ્તાહ પૂર્વે થયેલી હત્યા કેસમાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા મુખ્ય આરોપીને શાપર પોલીસે ઉત્તરાખંડના હરીદ્વાર ખાતેથી વેશપલ્ટો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારની રહેવાસી ઝુબેદાબેન અયુબભાઈ ગુડ્ડી ઉપર ગત તારીખ 11 ના રોજ પારડી ગામે આવેલા શીતળા માતાજીના મંદિર નજીક રહેતા તેમના પરિચિત પ્રવિણ ઉર્ફે પભલો ગલાભાઈ વાઘેલા અને તેના પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ઝુબેદાબેન સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. જોતજોતામાં આ ઝઘડાએ હિંસક સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને આરોપીઓએ ઉશ્કેરાઈને ઝુબેદાબેન પર છરી વડે આડેધડ અનેક ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન મોત નીપજતા કેસ હત્યામાં પલટાયો આ ચકચારી ઘટનાને પગલે શાપર પોલીસે પ્રારંભિક તબક્કે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂૂ કરી હતી. પરંતુ, કમનસીબે હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ, સારવાર દરમિયાન ચોથા દિવસે ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. પરિણીતાના અવસાનના પગલે શાપર પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
ઘટના બાદ પોલીસની પકડથી બચવા માટે આરોપી પ્રવિણ સતત નાસતો ફરતો હતો. શાપર પોલીસ મથકના પીઆઈઆર.બી. રાણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ લંબાવવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી પ્રવિણ ધાર્મિક નગરી હરીદ્વારમાં છુપાયેલો છે. બાતમીના આધારે શાપર પોલીસે હરીદ્વાર પહોચી હતી. જો કે, પોલીસ આવી હોવાની ભણક લાગતા જ શાતિર આરોપીએ ત્યાંથી પણ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેને હરીદ્વાર રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે ફરાર સમય દરમિયાન તેને કોણે-કોણે આશરો આપ્યો હતો અને મદદગારી કરી હતી.
શાપર વેરાવળના પીઆઈ આર.બી.રાણાની સુચનાથી દિવ્યરાજસિંહ સરવૈયા, ક્રીપાલસિંહ રાણા, મહેન્દ્રભાઇ ધાધલ, દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઈ ઝાલા, અલ્પેશભાઇ ડામસીયા, લગધીરસીંહ જાડેજા, વિમલભાઇ વેકરીયા, રાજદીપસીંહ જાડેજા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ શામળા, ગોંડલ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા છત્રપાલસીંહ જાડેજાએ કામગીરી કરી હતી.
