ગુજરાત

સિવિલમાં સિક્યોરિટી માટે મુકાયેલ નિવૃત્ત જવાનોને પગારના ફાંફાં

Published

on

મંજૂરી વગર નિવૃત્ત ફૌજીને નોકરીએ રાખી દીધા બાદ ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં તંત્રનાં ઠાગાઠૈયા

સિકયુરિટી એજન્સી અને હોસ્પિટલ તંત્રનાં પાપે નિવૃત્ત ફૌજીઓના તહેવાર બગડ્યા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે રાખવામાં આવેલા નિવૃત્ત ફૌજીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં ચુકવાતા આ નિવૃત્ત ફૌજીઓની હાલત કફોડી બની ગઈ છે. જેના કારણે આ નિવૃત્ત ફૌજીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મંજુરી વિના બારોબારથી ખાનગી સિકયોરિટી એજન્સી મારફતે સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત ફૌજીઓને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતાં અને જે ફૌજીઓનો આશરે 30 હજાર પગાર નક્કી કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં કુલ 9 જેટલા નિવૃત્ત આર્મીમેનની સેવાનો પગાર આશરે 2.70 લાખ રૂપિયા થતો હતો જે રકમ કોણ ચુકવશે ? તે બાબતે અસમંજસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ફરજ બજાવતાં આ કુલ 9 નિવૃત્ત આર્મીમેનના પગાર પેટે ચુકવવની થતી આઠ લાખ જેટલી રકમનું બીલ આજ દિન સુધી અટવાયું છે ત્યારે હવે આ મામલે નિવૃત્ત ફૌજીઓ દેશની સરહદ બાદ સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લડી લેવા બાયો ચડાવી છે. સિવિલ હોસ્પિટલમાં તબીબો ઉપર થતાં હુમલા બાદ અચાનક જ કોઈપણ જાતની પૂર્વ મંજુરી વગર ખાનગી સિકયોરિટી એજન્સી મારફતે વધારાના 9 જેટલા નિવૃત્ત આર્મીમેનની ભરતી કરવામાં આવી હતી અને આ આર્મીમેનને સિવિલ હોસ્પિટલનાં રેગ્યુલર પગાર કરતાં બમણો પગાર ચુકવવાનું નક્કી થયું હતું. હોસ્પિટલનાં તત્કાલીન સુપ્રીટેન્ડન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીની મહેરબાનીથી સિકયોરિટી એજન્સીને તાત્કાલીક આ આર્મીમેનની ભરતી કરવા સુચના આપવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં અચાનક જ નિવૃત્ત આર્મીમેનને સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી હતી.

છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સંભાળતાં આ નવ જેટલા નિવૃત્ત આર્મીમેનને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. આ મામલે હાલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા અને આર.એમ.ઓ.ચાલડા સાથે વાતચીત થતાં આ બાબતે તેમણે બે દિવસમાં તમામ આર્મીમેનનો પગાર ચુકવાઈ જશે તેવી ખાતરી કરી હતી. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી પગાર ચુકવવામાં વિલંબ થતાં હવે આ મામલો સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, સિકયોરિટી સર્વિસમાં નિવૃત આર્મીમેનની સેવા લેવામાં આવી ત્યારે કોઈપણ જાતની પૂર્વ મંજુરી કે નિવૃત્ત ફૌજીઓને જે પગાર પેટે વધારાની રકમ ચુકવવામાં આવશે તે કોણ ચુકવશે તે બાબતનો કોઈપણ નિર્ણય લેવાના બદલે નિવૃત્ત ફૌજીઓને નોકરીએ રાખી દીધા બાદ હવે હોસ્પિટલનું તંત્ર અને સિકયોરિટી એજન્સી પગાર ચુકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે અને છેલ્લા ત્રણ મહિનાથી નિવૃત્ત ફૌજીઓને તેમનો પગાર નહીં મળતાં તેમની આર્થિક હાલત કફોડી બની છે અને તેમના તહેવારો પણ બગડયા છે.

અમારે આ રીતે નોકરી નથી કરવી : જવાનોનો આક્રોશ

દેશની સુરક્ષા માટે પોતાની જાન ન્યૌછાવર કરી દેનાર ભારતની આર્મીએ દેશ માટે ગર્વનું પ્રતિક છે ત્યારે સિવિલ હોસ્ફિટલમાં તબીબોની સુરક્ષા માટે જવાબદારી જેને સોંપવામાં આવી હતી અને આ જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવનાર નિવૃત્ત ફૌજીઓને દેશની સરહદ ઉપર લડાઈ કરવામાં જેટલી મુશ્કેલી નથી પડી તેટલી મુશ્કેલી પોતાના કામનું વળતર મેળવવા માટે પડી રહી છે. ત્રણ મહિનાથી પગારથી વંચિત સિવિલ હોસ્પિટલનાં નિવૃત્ત ફૌજીઓએ આક્રોશ સાથે તબીબી અધિક્ષકને રોકડુ પરખાવી દીધું હતું કે અમારે આવી રીતે નોકરી કરવી નથી. જો સમયસર પગાર ચુકવો તો જ નોકરી કરવી છે. સિકયોરિટી એજન્સી અને હોસ્પિટલ તંત્રનાં સંકલનના અભાવે છેલ્લા મહિનાથી આર્મીના નિવૃત્ત જવાનો આર્થિક સ્થિતિ સાથે લડી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version