ગુજરાત
દીકરાની સારવાર માટે સીએમ રજા પર જવાના છે તે અફવા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર માટે અમેરિકા જવાના છે. તેવી વાત વહેતી થઈ હતી. એક મહિનો તેઓ અમેરિકા જવાના હોવાથી તેમની જગ્યાએ ઈન્ચાર્જ સીએમ બનાવવાની વાત પણ વહેતી થઈ હતી. જેથી આ અંગેની અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ તદ્દન જુઠ્ઠી વાત છે. ખોટી અફવા ફેલાવાઈ છે. આ અફવા સામે નોટિસ મોકલીને પગલાં લેવાશે.
સુરતના ભાગળ વિસ્તારમાં ગણપતિ વિસર્જન દરમિયાન આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી માટે એક અફવા ફેલાવવામાં આવી રહી છે. તે તદ્દન પાયાવિહોણી છે. નર્યુ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. સાથે જ જુઠ્ઠાણામાં હદ્દ વટાવીને કોઈના દીકરાનું નામ કેવી રીતે વટાવી શકાય. આ પ્રકારની અફવા ફેલાવનારા સામે પગલાં લેવામાં આવશે.
અફવા અલગ અલગ જગ્યાએથી ફેલાવાઈ હોવાથી તમામને આજે જ નોટિસ મોકલી દેવામાં આવી હોવાનું કહેતા હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી પર વિપક્ષ આક્ષેપ કરે પરંતુ અફવા કેવી રીતે ફેલાવી શકે. અને તે પણ પરિવારના સભ્યોની. માટે કડક પગલાં લેવામાં આવશે.