Site icon Gujarat Mirror

RTOમાં 0002 માટે રૂા.17 લાખની બોલી

0007 માટે પણ 11.22 લાખ, 9999 માટે રૂા. 4.43 લાખના ટેન્ડર ભરાયા

ગુજરાતમા રિયલ એસ્ટેટ અને વાહન વેંચાણમા મંદીનાં રોદણા વચ્ચે રાજકોટ આરટીઓમાં ખુલેલી ફોર વ્હીલ વાહનોનાં નંબરની નવી સિરિઝમા પસંદગીનાં નંબર લેવા માટે રૂ. 1 લાખથી માંડી અધધધ 17 લાખ સુધીની બોલી બોલાતા ખરેખર આ નંબરો આટલા ઉંચા ભાવે વેચાશે કે કેમ તે અંગે ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઇ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ આરટીઓમાં ફોર વ્હીલ (કાર) ના નંબર માટે નવી જીજે 03 પીજેની સિરિઝ ખુલ્લી છે. તેમા પસંદગીનાં નંબરો માટે શોખીન વાહન માલિકો પાસેથી ઓફરો મંગાવવામા આવી હતી. જે ઓફરો ભરવાની મુદત પુરી થતા અને આજે આ ઓફરો ખોલવામા આવતા જીજે 03 પીજે 0002 માટે સૌથી વધુ રૂ. 17 લાખની બોલી લગાવવામા આવી છે. જયારે જીજે 03 પીજે 0007 માટે રૂ. 11.22 લાખ તેમજ જીજે 03 પીજે 9999 માટે રૂ. 4.43 લાખ અને જીજે 03 પીજે 0005 માટે રૂ. 3.53 લાખની બોલી બોલવામા આવી છે. કુલ 9 પસંદગીનાં નંબર માટે રૂ. ર લાખથી ઉપરની ઓફર આવી છે.

આજે આરટીઓ દ્વારા ખોલવામા આવેલી પસંદગીના નંબરોની સિરિઝમા આરટીઓને કુલ રૂ. 64.37 લાખની આવક થઇ હતી. આ ઓફરમા સૌથી આશ્ર્ચર્યની વાત છે કે અત્યાર સુધી 11,111, 999 કે 777 માટે સૌથી વધુ બોલીઓ લાગતી હતી. પરંતુ પ્રથમ વખત 0002 માટે 17 લાખ જેવી ઉંચી બોલી લાગતા આ રકમ ભરીને વાહન માલીક ખરેખર નંબર ખરીદશે કે રી ટેન્ડર થશે તે અંગે અત્યારથી ચર્ચાઓ જાગી છે.

Exit mobile version