Site icon Gujarat Mirror

જૂનાગઢમાં 215 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ઢોલક વાદક હાજી રમકડુંનું સન્માન

ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરી જૂનાગઢની શાનમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નરસૈયાની નગરીની મુલાકાત લીધી હતી અને જિલ્લાવાસીઓને કુલ ₹215 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. ગરવા ગિરનારના સાનિધ્યમાં આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે ₹143.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા 18 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મુખ્ય આકર્ષણ ₹68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલું ’નરસિંહ મહેતા સરોવર’ છે, જે હવે શહેરનું નવું નજરાણું બની ગયું છે. આ ઉપરાંત, ભવિષ્યમાં ₹71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર ઇન્ડોર સ્ટેડિયમ અને નવા બ્રિજ પ્રોજેક્ટ્સ સહિત અન્ય 8 કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના ’નાનામાં નાના માણસના ઉત્કર્ષ’ ના વિચારને સાર્થક કરતા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારમાં ₹2.19 કરોડના ખર્ચે ’હોકર્સ ઝોન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે હવે 157 જેટલા નાના ફેરીયાઓને સન્માનજનક રીતે રોજગારી મળી રહેશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.

આ કાર્યક્રમમાં એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ પણ જોવા મળી હતી. જૂનાગઢના પ્રખ્યાત ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઇ મીર, જેઓ લોકમુખે ’હાજી રમકડું’ તરીકે જાણીતા છે, તેમને ભારત સરકાર દ્વારા ’પદ્મશ્રી’ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કર્યું હતું.

જૂનાગઢ શહેરની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓને પણ વિકાસના ફળ મળ્યા છે. કેશોદ ખાતે ₹10.12 કરોડના ખર્ચે તૈયાર થયેલું આધુનિક મોડલ ફાયર સ્ટેશન અને વંથલીમાં ₹4.25 કરોડના ખર્ચે 25 બેડની સુવિધા ધરાવતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમૃત 2.0 યોજના હેઠળ ₹7.35 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ થયું હતું.

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ બજેટ ₹585 કરોડથી વધીને હવે ₹30,000 કરોડ સુધી પહોંચ્યું છે. અંતમાં, તેમણે નાગરિકોને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા ’એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવા, સ્વચ્છતા જાળવવા અને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખાસ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

Exit mobile version