ક્રાઇમ
લુખ્ખાગીરી : પેટ્રોલ પંપના ફીલરમેને ગેસ પૂરી પૈસા માગતાં બે શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી
શહેરમાં લુખ્ખાગીરીના બનાવો અવાર-નવાર સામે આવતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સરધાર નજીક પેટ્રોલ પંપ ઉપર બન્યો હતો. ઇકો કારમાં સીએનજી પુરાવ્યા બાદ ફીલરમેને પૈસા માંગતા બે શખ્સોએ લોખંડની વસ્તુથી હુમલો કરી ખિસ્સામા રહેલા રૂ. 20-25 હજાર રોકડા લુંટી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવારમા ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સરધારના ચિત્રા ગામે રહેતો વિશ્ર્વાસ અંબાલાલ મેવાસા (ઉ.વ. રર) નામનો યુવાન સરધાર નજીક આવેલા સરકારી મંડળીના પેટ્રોલ પંપમા ફીલરમેન તરીકે નોકરી કરે છે. જે આજે સવારે પેટ્રોલ પંપ ઉપર હતો ત્યારે લાલભાઇ હુંબલ અને લાલભાઇ ભરવાડ ઇકો કાર લઇ સીએનજી ગેસ પુરાવવા આવ્યા હતા જેથી ફીલરમેન વિશ્ર્વાસે ઇકો કારમા રૂ. પ30 નો ગેસ પુરી તેના પૈસા માંગતા બંને શખ્સોએ પૈસા ન આપી ઝઘડો કર્યો હતો.
ઉશ્કેરાઇ જઇ બંને શખ્સોએ લોખંડની વસ્તુથી હુમલો કરી તેના ઉપરના ખિસ્સામા રહેલા આશરે રૂ. 20-25 હજારની રોકડની લુંટ ચલાવી નાશી છુટયા હતા.જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.