RMCનું ‘પાણી’મપાઈ ગયું ! ટેન્કરથી આપવા 5.28 કરોડનો અપાશે કોન્ટ્રાક્ટ

કહેવાતા વિકસિત રાજકોટની સંખ્યાબંધ સોસાયટીઓમાં વર્ષો પછી પણ નથી પથરાઈ પાઈપલાઈન કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક : રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટિવ લાઈટ મૂકવા સહિતની…

કહેવાતા વિકસિત રાજકોટની સંખ્યાબંધ સોસાયટીઓમાં વર્ષો પછી પણ નથી પથરાઈ પાઈપલાઈન

કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક : રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટિવ લાઈટ મૂકવા સહિતની 13 દરખાસ્તોનો લેવાશે નિર્ણય

‘માનવી ત્યાં સુવિધા’ના છાંશવારે બણગા ફુંકતા રાજકોટ મનપાના શાસકોમાં ખરેખર કેટલું ‘પાણી’ છે એ મપાઈ ગયું છે. આટલા વર્ષો સુધીની શાસન પછી પણ શહેરની એ કમનસિબિ છે કે, સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ સુધી પાણીની પાઈપ લાઈન પથરાઈ નથી. ‘ટેન્કર યુગ’માં જીવતા આવા હજારો લોકોને મનપાના તંત્ર વાહકો અને શાસકો પાઈપલાઈન દ્વારા હજુ પણ પાણી નહીં જ આપી શકે તેવી સતાવાર નાદારી નોંધાવી ટેન્કરથી પાણી આપવા વધુ એક વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવશે.

આ એક વર્ષમાં અધધધ. રૂા.5 કરોડ 28 લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત આવતીકાલે બુધવારે મનપામાં મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજુ થઈ છે. શહેરના વિકસિત અને છેવાડાના વિસ્તારો જ માત્ર નહીં પણ સિટીની અંદર આવેલા સ્લમ પછાત સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે પણ હજારો લોકો ટેન્કરનું પાણી પીવે છે. વાપરવાનું કહો કે પછી પીવાનું, જે સમજો એ, ટેન્કરથી જેટલું નસિબ થાય છે તેમાં વધુ મેનેજ કરવું પડે.

આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટીમાં જે દરખાસ્ત આવી છે તેમાં પાંચ હજાર લિટરથી લઈને 20 હજાર લીટરાન ટેન્કર દોડાવવા માટે ઝોનવાઈઝ ખર્ચ મંજુરી માટે મુકવામાં આવ્યો છે. જેમાં ઈસ્ટ ઝોન માટે રૂા.3 કરોડ 3 લાખ 70 હજાર, સેન્ટ્રલ ઝોન માટે રૂા.98 લાખ, 61 હજાર અને વેસ્ટ ઝોનના વિસ્તારો માટે રૂા.1 કરોડ 26 લાખ 55 હજારનો ખર્ચ મંજુર કરવ્ દરખાસ્ત આવી છે. જ્યારે અન્ય દરખાસ્તોમાં રેસકોર્સ રીંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ જેવી ડેકોરેટીવ લાઈટ કાયમ માટે મુકવી, રેસકોર્સના અલગ અલગ સ્પોર્ટસ સંકુલના મેન્ટેનન્સનો ખર્ચ, વોર્ડ નં.8 અને 10માં ભુગર્ભ ગટરની ફરિયાદના નિકાલ માટેનો કોન્ટ્રાકટ આપવા સહિત 13 દરખાસ્તનો નિર્ણય લેવામાં આવશે.

ન્યુ રાજકોટમાં 28,277 હાઈરાઈઝ ફ્લેટધારકો પણ પીવે છે ટેન્કરનું પાણી
રાજકોટમાં એક તરફ શહેરના આયોજન કરવામાં આવે છે. બીજી બાજુ શહેરના ચારે તરફ વિકાસ વચ્ચે પાણીની જરૂૂરિયાત અને માંગ પણ વધી રહી છે. ચારે દિશામાં ફેલાઇ રહેલા શહેરના હાર્દસમા વિસ્તારો સાથે છેવાડાના અનેક વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણની માંગ વધી રહી છે. શહેરના હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોમાં કરવામાં આવેલા બોર ડુકી ગયા છે્ે અને ભૂતળ પણ ઉંડા ઉતરી જતાં બોરના પાણી દુષિત બની રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં બોરના પાણી પીવાલાયક રહ્યા નથી

ઈસ્ટ ઝોન હજુ પણ અળખામણો ! પછાત વિસ્તારો ઝંખે છે પાઈપલાઈન

પાણીની સૌથી ગંભીર પરિસ્થિતિ ઇસ્ટ ઝોન વિસ્તારમાં છે. ઇસ્ટ ઝોન હેઠળ આવેલા વોર્ડ નં.18 એક જ એવો વોર્ડ છે જે સેન્ટ્રલ ઝોન જેવડો વિસ્તાર ધરાવે છે. આ વોર્ડમાં પાણીની ડિમાંડ સૌથી વધુ છે. ઇસ્ટ ઝોનમાં આવેલા અનેક મફતીયા પરા, ઝુપડ્ડ પટ્ટી વિસ્તારો અને વિકસિત વિસ્તારોમાં હજી પાણીની પાઇપલાઇન પહોંચી નથીેે. મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મુકાયેલી ડંકીઓ પણ ડુકી ગઇ છે. આથી ઇસ્ટ ઝોનમાં ઉનાળા દરમિયાન પાણીની સૌથી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. મહાનગરપાલિકા ઇસ્ટ ઝોનના વિસ્તારોમાં ઉનાળા દરમિયાન ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા નિયમિત પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં નિષ્ફળ રહી છે. આ કારણે ઈસ્ટ ઝોનમાં પાણીની બુમરાણ સૌથી વધુ છે. અનેક વિસ્તારોમાં મહાનગર પાલિકાએ ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણ કરવા એજન્સીઓને આદેશ આપી દીધો છે પણ, એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરતોનું પાલન કરતી ન હોય તેમ ઇસ્ટ ઝોનના મંછાનગર સહિતના વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પણ પુરૂૂં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.