તા.20 સુધીમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નહીં કરાય તો ચૂંટણી અધિકારી દ્વારા કરાશે કડક કાનૂની કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયે બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. તેમ છતાં હજુ સુધી કેટલાક ઉમેદવારોએ નિયમ મુજબ પોતાનો ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કર્યો નથી. હિસાબ સબમિટ ન કરનારા આવા તમામ ઉમેદવારો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને તેઓને કડક શબ્દોમાં નોટિસો ફટકારવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના તમામ ઉમેદવારોએ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને પોતાનો સંપૂર્ણ ચૂંટણી ખર્ચનો હિસાબ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી દીધો છે. પરંતુ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો હજુ પણ આ બાબતે ઉદાસીન જણાયા છે. હિસાબ રજૂ કરવામાં આળસ દાખવનાર આ ઉમેદવારોને તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવી દેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આશરે 45 જેટલા ઉમેદવારોએ હજુ સુધી કોઈ પણ જાતનો કાગળ કે ચૂંટણી ખર્ચની વિગતો જમા કરાવી નથી.
આ તમામ 45 ઉમેદવારોને આગામી 20 તારીખ સુધીમાં કોઈપણ સંજોગોમાં ચૂંટણી ખર્ચ અંગેનો હિસાબ રજૂ કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી છે.ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ, જો આગામી 20 તારીખની અંતિમ મુદત સુધીમાં આ ઉમેદવારો દ્વારા હિસાબ રજૂ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ચૂંટણી પંચના નિયમો અનુસાર ઉમેદવારો સામે ડિસક્વોલિફિકેશન (ગેરલાયક ઠરવા) સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
