ગોંડલ તાલુકાના અનીડામાં સરકારી જમીન પચાવનાર શખ્સ સામે લેન્ડગ્રબિંગનો ગુનો દાખલ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે પાકી દીવાલ અને મજૂરો માટે ઓરડીઓ બનાવી જમીન પચાવી પાડવાના મામલામાં એક શખ્સ…

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે પાકી દીવાલ અને મજૂરો માટે ઓરડીઓ બનાવી જમીન પચાવી પાડવાના મામલામાં એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોંડલના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આર.બી. ડોડીયાએ સરકાર વતી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલની યશ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ વિનોદભાઈ માવાણી નામના શખ્સે અનીડા ગામના રેવન્યુ સર્વે નંબર 4646ડી વાળી સરકારી ખરાબાની જમીનમાંથી આશરે 400 ચોરસ મીટર (જેની કિંમત રૂૂ. 44,000 થાય છે) જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ શખ્સે ત્યાં વાણિજ્યિક હેતુ માટે પાકી દીવાલ અને ઓરડીઓ ચણી લીધી હતી. અગાઉ વર્ષ 2024માં તંત્ર દ્વારા તેની સામે પગલાં લઈ રૂૂ. 1,500નો દંડ ફટકારાયો હતો અને દબાણ ખુલ્લું કરવા આદેશ કરાયો હતો. જો કે, આ શખ્સે તંત્રના આદેશને ઘોળીને પી જઈને ફરીથી ત્યાં મનસ્વી રીતે બાંધકામ કરી લીધું હતું.

તંત્ર દ્વારા ઓગસ્ટ 2025માં નોટિસ આપવા છતાં આ શખ્સે દબાણ ન હટાવતા આખરે મામલતદાર કચેરી દ્વારા રાજકોટ કલેક્ટર કક્ષાની લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી હતી. ગત 18 મે 2026ના રોજ મળેલી જિલ્લા કક્ષાની કમિટીની બેઠકમાં આ શખ્સ સામે ગુનો નોંધવાનો નિર્ણય લેવાયો હતો. જે આધારે મામલતદારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ’ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ ની કલમ 3 અને 4 મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. આ હાઈપ્રોફાઈલ કેસની આગળની તપાસ નાયબ પોલીસ અધીક્ષક (ઉુજઙ) કિશોરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.